દર મહિને અનેક નવાં સામયિકો પ્રગટ થયે જાય છે. તે સાથે જ વાચકોની ઉપેક્ષારૂપી પાનખરનાં ચિહ્નો પણ દેખાવા માંડ્યાં છે. નવાં નીકળતાં સામયિકો પ્રત્યે કેટલાંક ચાલુ સામયિકો અકળામણ પ્રગટ કરે છે તે બરાબર નથી. જો અકળામણ કોઈ વસ્તુ સામે પ્રગટ કરવા જેવી હોય તો તે કેમ બહુ સામયિકો નીકળે છે, અથવા બંધ થાય છે એ સામે નહીં, પણ ગુજરાતી ભાષાનાં તમામ સામયિકોમાં થઈને પણ થોડાંઘણાં વાંચવા જેવાં પાનાં કેમ મળતાં નથી તેની સામે કરવા જેવી છે. સર્જન તો પ્રતિભાનાં સ્વૈર સ્ફુરણની પ્રસાદી છે. સર્જનની ઓટ સામે ફરિયાદ ક્યાં કરવા જઈએ? પણ વિચારપૂર્ણ અને વિચારપ્રેરક લેખો વરસેદહાડે થઈને પણ કેમ ગણ્યાગાંઠ્યા પણ મળતા નથી એ જરૂર ચિંતા ઉપજાવે એવો પ્રશ્ન છે.
ઉમાશંકર જોશી
[‘સંસ્કૃતિ’, મે, 1948; ‘સમયરંગ’(1978)માંથી]