કલાકારની આ સાધના અત્યંત દુષ્કર છે. પરંતુ અંતે જ્યારે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે તે ખરેખરો ચમત્કાર સર્જાઈ જાય છે, જીવનનું સમસ્ત ઋત – અંતસ્તત્ત્વ (દર્શન, સંવેદન, અનુભૂતિ સહિતનાં તમામ સત્ત્વો) પોતે જ વિરલ સૌંદર્યરૂપે પ્રગટ થાય છે. આમ ‘content’ પોતે જ રૂપાંતર પામી રચનારૂપે પ્રગટ થાય છે, ત્યારે પેલો પાગલ માનવી વિશ્વકર્માને આસને બેઠેલો દેખાય છે. અલબત્ત, આનો અર્થ એવો નથી કે સાહિત્ય યા કલાનું સર્જન જીવનનિરપેક્ષ છે, અથવા કલાકાર જીવનથી પર એવાં કોઈ મૂલ્યો સર્જે છે. પરંતુ આનો અર્થ એટલો તો ખરો જ કે આવું સર્જન વ્યવહારજીવનથી નિરપેક્ષ છે, એ જીવનની સમાંતરે તેનો સ્વતંત્ર લીલા-વિસ્તાર છે; અને વ્યવહાર-જીવનથી સાવ અનોખાં, ભિન્ન રૂપો અને રચનાઓ દ્વારા તે સૌંદર્યનું આગવું મૂલ્ય પ્રગટ કરે છે.
ભોગીલાલ ગાંધી
[મૂલ્યાંકનની કસોટી–લેખ,1961 : ‘મિતાક્ષર’(1970)માંથી]