વિવેચના, જોવા જઈએ તો, વિવેચક અને કૃતિ વચ્ચેનો વાર્તાલાપ છે. ભાવક બાજુમાં બેઠોબેઠો એ સાંભળે. વિવેચક કોઈકોઈ વાર ભાવક તરફ મોં ફેરવીને બોલે તો ભલે એમ થાય. વિવેચના માત્ર ભાવકને નજરમાં રાખીને ન થવી જોઈએ. આવી વિવેચનાઓ મોટેભાગે અધ્યાપકો અને પત્રકારોને હાથે લખાતી હોય છે. ભાવકની યોગ્યાયોગ્યતાનો વિચાર કરીને કૃતિની મૂલવણી ત્યાં થતી હોય છે! આવી પરિસ્થિતિમાં ‘વિદ્યાર્થીઓને ઉપયોગી’ સમીક્ષાનાં પુસ્તકો ઢગલાબંધ બહાર પડતાં હોય છે. આવાં પુસ્તકોમાં કૃતિ નહિ, પણ વિવેચનાના બહાના હેઠળ અધ્યાપક જ ડોકાયા કરતો હોય છે. કૃતિની અમુક જ – પરીક્ષામાં ખપ લાગે તેવી? – બાજુને એ સ્પર્શે છે. એટલે વિવેચનાની સમગ્રતા આવાં લખાણોમાં જોખમાતી હોય છે. કૃતિના અટપટા માર્ગોમાં ઘૂમી વળવાની તકો ભાવકની દયા ખાઈને આ ‘વિવેચક’ જતી કરતો હોય છે! વિવેચકની જવાબદારી ભાવક પ્રત્યે છે, પણ તે પ્રકારની નહિ. સૌંદર્ય જોવામાં મજા છે તો સૌંદર્ય બતાવવામાં ઓછી મજા નથી, એવો અનુભવ વિવેચકનો હોય. તાટસ્થ્ય અને તાદાત્મ્ય – બંનેનો સ્વાદ એમાં ભળે છે.
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
[‘પૂર્વાપર’,(1976), પૃ. 25]