વિવેચકમાં સત્યનિષ્ઠા હશે અને સારી સાહિત્યભક્તિ હશે તો સૌ સાહિત્યસર્જકો સાથે ભળતો છતાં તેમની કૃતિને મૂલવવાનું આવશે ત્યારે કૃતિને એમનાથી અલગ પાડીને એને વિશે વિચારશે અને કહેવા જેવું લાગે તે કહેશેય તે. એ કોઈની શેહ-શરમમાં પોતાનો ધર્મ ચૂકશે નહીં. નિષ્પક્ષતા, તટસ્થતા, સમતોલપણું, સ્પષ્ટ-વક્તૃત્વ, નીડરતા ઇત્યાદિ ગુણનામોનો જાપ ઘણીવાર વિવેચકનાં ગુણલક્ષણો વિશે બોલતાં-લખતાં થાય છે. એ બધા ગુણો સત્યનિષ્ઠામાં સમાઈ જાય. સત્યનિષ્ઠ હશે જો વિવેચક, તો એ નિષ્પક્ષ રહેવાનો અને સમતોલ પણ રહેવાનો. ‘સમતોલ રહેવાનો’ એનો અર્થ સમતોલ દેખાવા માટે ગુણ અને દોષ સામસામાં પલ્લાંમાં મૂકી વચ્ચેથી ત્રાજવાની દાંડી તે ઝાલવાનો, એમ નહીં; એનો અર્થ એટલો જ કે જો એને બીજી રીતે સત્ત્વશાળી કૃતિમાંય બેચાર દોષ દેખાયા હોય, અને કોઈ દોષપ્રધાન કૃતિમાં કંઈ ગુણાંશ દેખાયો હોય તો તે નિર્દેશ્યા વિના એ રહે નહીં.
અનંતરાય રાવળ
[‘સાહિત્યનિકષ’ (1958)માંથી]