પચાસ વર્ષથી આપણા ઇલાકામાં યુનિવ્હસિર્ટી સ્થપાઈ છે, અને પ્રત્યેક વર્ષે સંખ્યાબંધ ગ્રેજ્યુએટો તૈયાર થાય છે. તેઓ પોતે માંહ્યોમાંહ્ય ગુજરાતી દ્વારા પોતાના વિચાર સરખાવે, તો એમનું પોતાનું જ્ઞાન પણ વધારે ચોક્કસ, સ્પષ્ટ, તેજસ્વી અને અંતરમાં સુપ્રતિષ્ઠિત અને અનુસ્યૂત ન થાય? આપણે ‘યુનિવ્હસિર્ટીમાં વ્હર્નાક્યુલર દાખલ કરો’ એમ ઉચ્ચ અવાજે માગણી કરીએ છીએ, પણ એ વિષયમાં આપણું પોતાનું જ કર્તવ્ય આપણે પોતે કેટલું થોડું કરીએ છીએ! મ્હોટા ગ્રંથો લખવાની સર્વની શક્તિ ન હોય, પણ એક ગુજરાતી માસિક વાંચવાની, એમાં લખવાની, સુધારવાની, અને સર્વ રીતે સારી સ્થિતિમાં મૂકવાની પણ કૃપા ન કરીએ? બંગાળી ભાષાનું સાહિત્ય કેવું વિશાળ છે એ સર્વના જાણવામાં છે, તમિલ ભાષામાં તો જૂના વખતથી જ મોટું સાહિત્ય છે અને મરાઠી માસિકના એક તંત્રી અમને જણાવે છે કે લગભગ સો ગ્રેજ્યુએટોએ એમના પત્રમાં લખવાનું કબૂલ કર્યું છે. ત્યારે શું ગુજરાત જ સ્વકર્તવ્ય કરવામાં પાછળ રહેશે? ‘નહિ રહે’ એમ ઉત્તર દેવો અમારા હાથમાં નથી. એ ઉત્તર ગુજરાતે જ દેવો જોઈએ, અને તે માત્ર મુખ થકી નહિ, પણ કૃતિ દ્વારા દેવો જોઈએ.
આનંદશંકર ધ્રુવ
[‘વસંત’, વર્ષ 1 અંક 1 : 1913]