સંગીતનું કલ્પન પ્રથમ તો સંગીતકારના મનમાં ઊઠે. ઘણાખરા વાદકો કંઠવિહીન હોય છે, તો પણ તેઓ વગાડે છે ત્યારે એમનું મન તો ગાતું જ હોય છે. વાદ્ય તો જડ વસ્તુ છે. માનવકંઠ અને એનો શ્રુતિપૂર્ણ રવ જ સંગીતનું ચૈતસિક સ્વરૂપ પ્રગટ કરી શકે છે. વાદ્ય, અલબત્ત, કંઠને હંમેશાં સહારો આપતું રહ્યું છે, જેમકે સંગતમાં સારંગી જેવાં વાદ્યો, અને કંઠના ઘડતરમાં તંબૂર અને સ્વરમંડળ સરખી નાદપૂરિત વીણાઓ. વીણાના ઝંકારમાંથી ગાયનના મીંડ સરખા ‘પ્લાવિત ગમક’-અલંકારોના અને કેટલીક અન્ય ગમકોના નિર્માણની પ્રેરણા વાદ્ય-વાદનમાંથી મળી હોય તેમ બને; પણ સંગીતનું મુખ્ય આકલન તો કંઠ દ્વારા જ સિદ્ધ થાય છે, તે સૌનો અનુભવ છે. વાદ્યમાં કલ્પનાઓ ઉતારવી અત્યંત કષ્ટસિદ્ધ છે; જ્યારે તે જ વસ્તુઓ કંઠમાં આસાનીથી સ્ફુરાયમાન બને છે. ભારતીય સંગીતનો સારોયે ઇતિહાસ અને તેનું વિશ્લેષણ તો તે હંમેશાં કંઠ્યસંગીતના જ વિકાસ પર નિર્ભર હોવાનું કહે છે. ભારતીય ગાંધર્વ તેના અખિલસ્વરૂપના ઉત્થાન-નિર્માણ માટે કંઠ્યનું, ગેયનું, સદૈવ આભારી રહ્યું છે તે હકીકત છે.
મધુસૂદન ઢાંકી
[‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’, 1974, અંક:2]