પ્રતિબદ્ધતા સામાન્ય રીતે સમાજ પ્રત્યેના દાયિત્વનો ભાવ, એક જવાબદારીનો ભાવ પ્રકટ કરે છે. સમાજ એટલે અહીં કચડાયેલો, પીડાયેલો, સર્વહારા વર્ગ. પ્રતિબદ્ધ સાહિત્યનું પ્રયોજન આ વર્ગની વેદનાને, એના જીવનની સમસ્યાઓને, એ સમાજની વિષમતાઓને રેખાંકિત કરવાનું કહેવાય. પ્રતિબદ્ધ સાહિત્યકાર માટે સાહિત્ય એક સાધન, એક માધ્યમ છે; એક રીતે પ્રચારનું માધ્યમ બને છે. સાધ્ય તો સામાન્ય જનનું હિત છે અથવા એને લગતું કોઈ ધ્યેય છે. શુદ્ધ કલાવાદીઓના સામેના છેડાની વાત કહી શકાય. કલાવાદી સાહિત્યકારનું દાયિત્વ, એટલે કે એની પ્રતિબદ્ધતા, સાહિત્ય પ્રત્યે છે. કોઈ રચના કલાકૃતિ થઈ કે નહીં, કોઈ કાવ્ય કાવ્ય બન્યું કે નહીં, એ જ એને માટે મહત્ત્વની વાત છે. જ્યારે પ્રતિબદ્ધ સાહિત્યકારને માટે રચના કોઈ સામાજિક વાસ્તવને વ્યક્ત કરવાનું એક સ્વરૂપ છે. એટલે કે માર્ક્સવાદી દૃષ્ટિકોણ એકાંતિક કલાવાદી દૃષ્ટિકોણને નકારે છે. એનો અર્થ એવો નથી કે એ કલાનાં ધોરણોને નકારે છે. કવિતા કવિતા તો થવી જરૂરી છે, પણ એમાં એક સામાજિક અભિજ્ઞતા હોવી જોઈએ.
અનિલ દલાલ
[‘અન્વેષણ’(2008) માંથી]