વિજ્ઞાને આપણા દૃષ્ટિકોણમાં આમૂલ પરિવર્તન આણી દીધું. આને કારણે આ યુગમાં પૃથક્કરણ પર વિશેષ ભાર મુકાયો. વિવેચનની ભાષા અત્યાર સુધી વર્ણનાત્મક રહી. આ ભાષાવ્યવસ્થાને પહેલાં કૃતિની અવેજીમાં વાપરી શકાતી હતી પણ બુદ્ધિશક્તિનો અને વળી ટૅક્નોલોજીનો વિકાસ થતાં આવી અવેજીરૂપ ભાષાવ્યવસ્થાનો કોઈ ખપ રહ્યો નહીં. એટલે જ આ યુગમાં વિવેચનની ભાષા પણ પૃથક્કરણાત્મક બનવી જોઈએ. એને લીધે આત્મલક્ષિતાની ભૂમિકા ઘટી જવાની અને સાથે સાથે આપણી સમક્ષ કૃતિના એકે એક ઘટક તત્ત્વનો અન્યોન્ય સાથે અને કૃતિના કેન્દ્ર સાથેનો સંબંધ પ્રગટ થઈ આવવાનો.
શિરીષ પંચાલ
[‘વિવેચન : ચાર મુદ્દા’ (1975)માંથી]