સિદ્ધાંતનો જ્યારે પ્રત્યક્ષમાં વિનિયોગ કરવાનો આવે ત્યારે વિવેચકની સમજનું પ્રવર્તન સૌથી વધુ સક્રિય રીતે થતું હોય છે. સાહિત્યકૃતિ કે સાહિત્યસ્વરૂપના વિશેષો અને કાર્યશીલતાની એક વ્યાપક અભિધારણા રૂપે જે સિદ્ધાંત રચાયો હોય છે એ હવે, સમય અને સ્થળના જુદા સંદર્ભોમાં, કૃતિનાં સૌંદર્યઘટકોને ગ્રહવા-ઓળખવાની દિશા તરફ – એટલે કે સર્વસામાન્યથી વિશેષ તરફ – ગતિ કરે છે. એ રીતે, જેને તર્કની ભૂમિકાએ વિવેચક સમજ્યો ને પામ્યો હતો એ સિદ્ધાંતને હવે તેણે કૃતિમાં રસકીય ભૂમિકાએ સમજવાનો, પ્રતીત કરવાનો થાય છે. બંને તબક્કે એક વિશેષ સમજનું પ્રવર્તન હોય છે. સિદ્ધાંતની વિનિયોગક્ષમતા જ્યાં સુધી વિવેચકચિત્તમાં ઝિલાય નહીં ત્યાં સુધી તેને એ કૃતિવિવેચનમાં ઔચિત્યપૂર્વક યોજી શકતો નથી. એટલે, વિવેચક ક્યારેક સિદ્ધાંતના ચોકઠામાં કૃતિનાં ઘટકોને ગાણિતિક રીતે ગોઠવી દેવાની અજમાયશો કરતો હોય છે ત્યારે કૃતિનું ભાવન થતું નથી – એનો એક કોષ્ટકબદ્ધ આલેખ મળે છે.
રમણ સોની
[‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’(2013)]