વિવેચકની સૌંદર્યનિષ્ઠા

સત્યનિષ્ઠા વગરની શુષ્ક બુદ્ધિ, દક્ષતા, ચાલાકી, વકીલના જેવી પટાબાજી એ બધી વસ્તુઓ વ્યવહારમાં ગમે તેટલી ઉપયોગી હોય પણ વિવેચનમાં તો તે વિષવત્ વર્જ્ય ગણવાની છે. કેમકે સચ્ચાઈ વગરની કેવળ બુદ્ધિ એ બહુ ઠગારી વસ્તુ છે. કોઈપણ સાહિત્યકૃતિને સાચો ન્યાય આપવામાં એ ભારે વિઘ્નરૂપ નીવડે છે. ગુણયુક્ત વસ્તુને દોષયુક્ત બતાવવી અને દોષયુક્તને ગુણયુક્ત બતાવવી એ એને મન રમતવાત છે. એવી દક્ષતા માણસને શરૂઆતમાં આકર્ષક પણ થઈ પડે છે. પણ દક્ષતા, ચાલાકી, પટાબાજી એ સઘળી વિવેચનના ધ્યેયથી ચળાવનારી વસ્તુઓ છે. એટલે વિવેચકે જે આદર કરવાનો છે તે એવી ધૂર્તોચિત દક્ષતાનો નહિ પણ નિર્વ્યાજ સચ્ચાઈ અને નિખાલસતાનો. કશો પણ ઢાંકપિછોડો કર્યા વગર, કોઈની પણ બીક કે શરમ રાખ્યા વગર જેવું હોય તેવું કહી નાખવું, એવી પ્રામાણિક નિખાલસતા – એ પ્રકારનું સત્યમય સ્પષ્ટવક્તૃત્વ – નહિ હોય તો વિવેચકમાં બીજી ગમે તેટલી ગુણસંપત્તિ હશે તો પણ તે નકામી નીવડવાની. વિવેચકને આવશ્યક એવા ગુણો તો અનેક ગણાવી શકાય એમ છે, પણ એ સઘળામાં અનિવાર્ય અગત્યના એવા બે જ છે : સૌંદર્યનિષ્ઠા અને સત્યનિષ્ઠા.

વિશ્વનાથ ભટ્ટ 

[‘સાહિત્યસમીક્ષા’(1937; ત્રીજી આ. 1984), પૃ. 21-22]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.