જે વિચારો બતાવ્યા છે તે મારા છે, ને મારા નથી, તે મારા છે, કેમકે તે પ્રમાણે વર્તન કરવાની મારી ઉમેદ છે; તે મારા આત્મામાં ઘડાઈ ગયા જેવા છે. મારા નથી, કેમકે તે મેં જ વિચાર્યા છે એમ નથી; તે કેટલાંક પુસ્તકો વાંચ્યા પછી બંધાયેલા છે. મનમાં જે ઊંડું ઊંડું જોતો હતો તેને પુસ્તકોએ ટેકો આપ્યો. જે વિચારો વાંચનાર પાસે રજૂ કરું છું તે હિંદુસ્તાનમાં સુધારાની ધૂનમાં નહીં આવેલા એવા ઘણા હિંદી ધરાવે છે, એ તો કંઈ સાબિત કરવા જેવું રહેતું નથી. પણ તે જ વિચારો યુરોપના હજારો માણસો ધરાવે છે એ હું વાંચનારના મનમાં મારા પુરાવાથી જ ઠસાવવા માગું છું. જેને તે શોધ કરવી હોય, જેને તેવો અવકાશ હોય, તે માણસ તે પુસ્તકો જોઈ શકશે. જ્યારે મને અવકાશ મળશે ત્યારે તે પુસ્તકોમાંથી કંઈક કંઈક વાંચનાર આગળ રજૂ કરવાની ઉમેદ છે. મારા વિચાર ખોટા નીવડે તો તેને પકડી રાખવાનો મારો આગ્રહ નથી. જો તે સાચા નીવડે તો તે પ્રમાણે બીજાઓ કરે એમ દેશના હિતાર્થે સાધારણ રીતે લાગણી રહેશે.
મોહનદાસ કરમચંદ ગાંધી
[‘હિન્દ સ્વરાજ’ની પ્રસ્તાવના : 22.11.1909]