લોકપ્રિય સાહિત્યને જેમ ઉચ્ચભ્રૂ ને મધ્યભ્રૂ વર્ગ સ્વીકારવાની આનાકાની કરી, તેને હલકી કક્ષાનું ગણી, તેની ઉપેક્ષા કરે છે, તેની ઠેકડી ઉડાડી મજાકો કરી કડવા હળવા કટાક્ષો કરે છે તેવી જ રીતે લોકપ્રિય સાહિત્યને માનનારો એક વર્ગ પણ ઉચ્ચ, મહાન, સંકુલ અને અનેક સંકેતો ધરાવતા સાહિત્યને સ્વીકારતો નથી. એમના મતે આ ઉચ્ચભ્રૂ ભદ્ર વર્ગ દંભી અને કૃતક છે. આ અલગ અલગ ધ્રુવ પરની વિચારણામાં પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ બંને પોતપોતાના પૂર્વગ્રહોને, માન્યતાઓને સજાવી-ધજાવીને અને તર્કના આટાપાટાની જટાજાળમાં ગૂંથીને લોકપ્રિય સાહિત્યનું પૃથક્કરણ, અર્થઘટન અને મૂલ્યાંકન કરતા રહે છે. બંને પાસે પોતપોતાની માન્યતાઓને સંરક્ષવાની, તથા સ્વબચાવની યુક્તિપ્રયુક્તિઓ મોજૂદ જ છે. આમ તો આ બંને પક્ષો એક પ્રકારની સાંપ્રદાયિકતાથી પીડાય છે. આ પ્રકારની અસ્પૃશ્યતા બંને પક્ષોની મર્યાદા બની રહે છે. લોકપ્રિય સાહિત્ય મનોરંજન(entertainment)ને તો ઉચ્ચભ્રૂ સાહિત્ય આનંદ(plesure)ને પોતાના પ્રચાર-પ્રસારમાં કેન્દ્રવર્તી તત્ત્વ ગણે છે.
નીતિન મહેતા
[‘નિરંતર’(2007), પૃ. 14]