ત્યારે એમ કહી શકાય કે કાવ્ય થવાનું નિમિત્ત અમુક પ્રકારની પ્રકૃતિમાં જ હોય છે. ગમે તેટલા અભ્યાસથી, ગમે તેટલા સાહિત્યસંગ્રહથી, કશાથી એ પ્રકૃતિ આવતી નથી. એને નૈસગિર્ક પ્રતિભા કહે છે. જે એવી પ્રતિભાવાળા હોય તે કવિ થઈ શકે. કવિ શબ્દોને વાપરે છે પણ શબ્દોની પાર દેખે છે, વ્યવહારના સંબંધોમાં ફરે છે પણ તે સંબંધોની પારના વિશ્વને સર્વદા પોતાનું ગણે છે. ગદ્યનો ઉચ્ચાર કરે છે પણ વ્યાકરણની પારના પદ્યને જ સાકાર કરતો હોય છે. જગતમાં અવલોકન કરવાની જેને ટેવ હશે તે જોઈ શકશે કે માણસોમાં પ્રકૃતિના અનેક અને અનંત પ્રકાર છે. સૃષ્ટિના એના એ જ પદાર્થોમાં પ્રકૃતિ-અનુસાર નવાં નવાં વિશ્વ જુદાં જુદાં મનુષ્યોને સમજાય છે. તેમાં જે મનુષ્યને સ્થૂલની પારનું દર્શન થતું હોય, સ્થૂલની પારની રચના કલ્પનામાં પ્રતીત થઈ જતી હોય, સ્થૂલની પારના સંબંધો ઉપજાવી નવાં વિશ્વ કરવાની શક્તિ સહજ રીતે જ આવેલી હોય, તે વર્ગમાં કવિઓની ગણના થઈ શકે છે.
મણિલાલ ન. દ્વિવેદી
[‘સુદર્શન ગદ્યાવલિ’ (1919)-માંથી]