આપણા દેશમાં પરદેશમાંથી મળેલા વિશ્વવિદ્યાલય સાથે દેશના મનનું સંમિલન થઈ શક્યું નથી. ઉપરાંત, યુરોપીય વિદ્યા પણ અહીં બંધિયાર પાણીના જેવી છે, આપણે તેનું ચાલતું ગતિશીલ રૂપ જોવા પામતા નથી. સનાતનત્વ-મુગ્ધ આપણું મન તો બધાની ફૂલચંદનથી પૂજા કર્યા કરે છે. યુરોપની વિદ્યાને આપણે સ્થાવર રૂપમાં પામીએ છીએ એને તેમાંથી વાક્યો ચૂંટી લઈને એનું રટણ કર્યા કરવું એને જ આધુનિક રીતની વિદ્વત્તા માનીએ છીએ. દેશના સામાન્ય લોકોના બધા મુશ્કેલ પ્રશ્નો, મહત્ત્વની જરૂરિયાતો, અને કઠોર વેદનાને આપણાં વિશ્વવિદ્યાલયો સાથે કશો સંબંધ નથી. અહીં દૂરની વિદ્યાને આપણે જડ પદાર્થની પેઠે વિશ્લેષણ દ્વારા શીખીએ છીએ, સમગ્ર ઉપલબ્ધિ દ્વારા નહીં. આપણે તોડી તોડીને વાક્યો ગોખીએ છીએ અને તે ટુકડા કરીને ગોખેલી વિદ્યાની પરીક્ષા આપીને છુટકારો અનુભવીએ છીએ. ટેક્સ્ટબુકને વળગેલાં આપણાં મન પરાશ્રિત પ્રાણીની પેઠે પોતાનો ખોરાક પોતે મેળવી લેવાની, પોતે શોધી લેવાની ઇચ્છા ખોઈ બેઠાં છે.
રવીન્દ્રનાથ ઠાકુર
[‘રવીન્દ્રનિબંધમાલા : 1’, અનુ. નગીનદાસ પારેખ, 2002માંથી]