સંસ્કૃતને ગુજરાતી અને ગુજરાતીઓ સાથે એકલો ફક્ત શાબ્દિક, ભાષાવિષયક, સંબંધ નથી; એથીયે વધારે અને ગાઢ, પરંપરાનો, સંસ્કૃતિનો, આનુવંશિક સંબંધ છે. અંગ્રેજીમાં લૅટિનમાંથી ઘણા તો પચાસ-સાઠ ટકા શબ્દ આવેલા હશે; ગ્રીકમાંથી એથીય ઘણા જ ઓછા. એમ છતાં લૅટિન-ગ્રીકના અભ્યાસ માટે અંગરેજ વિચારકો જે આગ્રહ રાખે છે તે આ સાંસ્કૃતિક, cultural, સંબંધને લઈને રાખે છે. અને એ અંગરેજી સંસ્કૃતિ પણ ત્રણ જુદાં જુદાં અંગોની બનેલી છે : હિબ્રુ ધર્મભાવના, ગ્રીકો-લૅટિનશાસ્ત્રીય વિચારણા અને એંગ્લો સેક્શન વંશના આનુવંશિક સંસ્કાર. એ ત્રણેના મિશ્રણથી આધુનિક અંગરેજી સંસ્કૃતિ ઉત્પન્ન થયેલી છે. પણ અહીં તો ધર્મભાવના, વિચારશૈલી, વંશ, બધાનો ઊગમ તમારા જ પૂર્વજો પ્રાચીન આર્યો અને તેઓની પ્રાચીન સંસ્કૃતિમાંથી થયેલો છે. એટલે અંગરેજીનો લૅટિન-ગ્રીક સાથેનો જે સંબંધ છે તેના કરતાં ગુજરાતીનો સંસ્કૃત સાથેનો સંબંધ ઘણો વધારે નિકટ છે.
જહાંગીર સંજાના
[‘અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’(1955)]