છેલ્લી વાત વિવેચકનાં સ્પષ્ટવક્તૃત્વ અને નિર્ભીકતાની. આને વિશે આપણે ત્યાં એક ભ્રમ પ્રવર્તે છે એમ કહું. કટુતા અને ઉગ્રતાને એના પર્યાય માનવામાં આવે છે. વિવેચક પોતાના અભિપ્રાયને છુપાવે નહીં, સ્પષ્ટતાથી કહી નાખે એટલે બસ. સત્યનિષ્ઠ હશે તે એમ કરવાનો જ. પણ સત્યનિષ્ઠ હોય એ શબ્દની ચોકસાઈનોય આગ્રહી હોય. ઉત્કટતા સારુ એ અત્યુક્તિ નહીં કરે. જ્યાં ‘ઠીક છે’ કહેવું હોય ત્યાં ‘ફક્કડ’ છે નહીં કહે; ‘સારું છે’ કહેવું હશે ત્યાં એ ‘અપૂર્વ છે, શકવર્તી છે’ એમ નહીં બોલે; ‘નબળું છે’ એમ બતાવવું હશે ત્યાં એ ‘સાવ નિકૃષ્ટ છે’ એમ નહીં લખે. કૃતિ જેવી હશે તેને જ અનુરૂપ વાણી સત્યનિષ્ઠ વિવેચક પાસેથી આવવાની. કૃતિએ પોતાની પર પાડેલી છાપ કે પોતાને કરાવેલી પ્રતીતિ પ્રત્યે હોય, તેટલી વાચકો અને કર્તા પ્રત્યે પણ વિવેચકની ફરજ છે.
અનંતરાય રાવળ
[‘સહૃદયધર્મ’ લેખ, ‘સાહિત્યનિકષ’(1958)માંથી]