લગભગ અઢી હજાર વર્ષ ઉપર ઈશોપનિષદે પરમ સત્યના દર્શનાભિલાષીને વિદ્યા અને અવિદ્યા બન્નેના પ્રદેશો વચ્ચે સંવાદિતા સાધવાનો ઉપદેશ કર્યો હતો. પણ પ્રજા એ ઉપદેશને ભૂલી ગઈ હતી અને તેણે વિદ્યાનાં, પરમ તત્ત્વના જ્ઞાનનાં આત્યંતિકગૌરવ અને પ્રતિષ્ઠા કરી ઈહલૌકિક જીવનના સંકુલ અને મૂંઝવતા પ્રશ્નોની ઉપેક્ષા કરી હતી. એ પ્રશ્નોને સ્વતંત્ર બુદ્ધિથી વિચારવાને બદલે તેણે શાસ્ત્રના શબ્દાર્થનો મહિમા કર્યો હતો અને બધી બાબતોમાં રૂઢિને પ્રમાણ ગણી હતી. એમ બુદ્ધિના અંતરપ્રકાશની જ્યોત ક્ષીણ થઈ જતાં ભારતીય સમાજ સદીઓથી સ્થગિત, રૂઢિગ્રસ્ત થઈ ગયો હતો, તેનું ઉત્પાદનકૌશલ જૂના-પુરાણા સ્તરે રહ્યું હતું અને નવા હુન્નરઉદ્યોગોનો વિકાસ અટકી પડ્યો હતો.
ચી. ના. પટેલ
[‘બુદ્ધિપ્રકાશ : સ્વાધ્યાય અને સૂચિ’ (1990)માંથી]