ખરું જોતાં, ઉચ્ચ કલાકૃતિઓ – પછી તે સંગીતના રાગો હોય, શિલ્પની મૂતિર્ઓ હોય, સ્થાપત્યના પ્રાસાદો હોય, સામાજિક તહેવારો અને ઉત્સવો હોય, નાનાં કે મોટાં કાવ્યો હોય કે સાહિત્યની અનેકવિધ કૃતિઓ હોય, એ બધી જીવતી વસ્તુઓ છે. જેમ આપણે ઐતિહાસિક પુરુષો વિશે વિચાર કરીએ છીએ, અને સમાજમાં એમનું સ્થાન કયું એ નક્કી કરીએ છીએ; એમના પ્રત્યે કૌતુક, આદર, ભક્તિ, તિરસ્કાર, ઉપેક્ષા કે જુગુપ્સા કેળવીએ છીએ, તે જ રીતે કલાકૃતિઓ પ્રત્યે પણ એમના જીવંતપણાને કારણે આપણાથી તેમ કર્યા વગર રહેવાતું નથી. જો મારે શ્રાદ્ધ કે બ્રહ્મયજ્ઞ કરવો હોય, તો હું કેવળ સેનાપતિઓ, તત્ત્વવિવેચકો, ઋષિઓ, કવિઓ, સુધારકો અને સંતોનું જ તર્પણ કરવા નહિ બેસું, પણ પોતાના વ્યક્તિત્વથી મારું અને મારા સમાજનું વ્યક્તિત્વ ઘડનાર સાહિત્યકૃતિઓનું પણ હું અવશ્ય તર્પણ કરું. મારા પૂર્વજોએ પહાડો, નદીઓ, વૃક્ષો, પશુપક્ષીઓ અને આકાશની જ્યોતિઓ તેમજ વાદળાંઓનું પણ તર્પણ નથી કરેલું? સાહિત્યકૃતિઓને પણ જો હું પૂજ્ય પિતરોને સ્થાને કલ્પું તો એમાં હું કશું અજુગતું નથી કરતો.
કાકા કાલેલકર
[‘જીવનભારતી’(1937)-માંથી]