કવિતાએ વિવેચનને સંવેદના આપી છે તો વિવેચને કવિતાને પરિપ્રેક્ષ્ય પૂરું પાડ્યું છે. મેં ગુજરાતી સાહિત્યમાં લખ્યું છે ત્યારે વિશ્વસાહિત્યના પ્રવાહો વચ્ચે રહેલા ગુજરાતી સાહિત્યમાં લખ્યું છે. આમેય સાહિત્યનું પ્રાથમિક કાર્ય આપણી જાતની ઓળખ આપવાનું કે જાત અંગે આપણને સભાન કરવાનું છે એટલે આ તબક્કે જો મને પ્રશ્નો પૂછવામાં આવે કે તમે કોણ છો, તમે કોને માટે લખો છો, તમે શા માટે લખો છો, અને એ બધું ક્યાંથી આવ્યું છે – તો એના ઉત્તરમાં હું એટલું કહીશ કે હું કોણ છું એ જાણવા હું લખું છું અને એટલે મૂલત: મેં મારે માટે જ લખ્યું છે, મારી શોધ માટે લખ્યું છે અને એ જે મારામાંથી આવ્યું છે એમાં હું પ્રસિદ્ધ ફ્રેંચ ચલચિત્ર-દિગ્દર્શક ઇંગમાર બર્ગમૅનથી ઊંધું કહીશ કે ‘હું અંદર ઊભો છું બહાર જોતો.’ બર્ગમૅન કહે છે ‘I stood on the outside looking in.’ મારી શોધમાં હું સતત અંદર રહીને બહાર જોતો રહ્યો છું. આ જ કારણે ભાષા કે કલાસાહિત્ય અંગેના કોઈ એકપાર્શ્વ વિચારને બદલે હું બહુપાર્શ્વ વિચારનો પુરસ્કર્તા રહ્યો છું. મને ખબર છે કે કોઈ પણ એકપાર્શ્વ વિચાર પાછળ મનુષ્યની ક્યારેક ઉદ્ધતાઈ રહેલી છે, તો બહુપાર્શ્વ વિચાર પાછળ એનું દૈન્ય ડોકાતું હોય છે; તેમ છતાં કલાસાહિત્યના બહુપાર્શ્વ રૂપની મને ખેવના છે.
ચંદ્રકાન્ત ટોપીવાળા
[‘રણજિતરામ સુવર્ણચંદ્રક’(2002), સ્વીકાર-વક્તવ્યમાંથી]