બાલવાર્તાની શોધમાં ફરતાં હું બીજા દેશોના લોકસાહિત્યમાં પ્રવેશ્યો. વિશ્વના વિદ્વાનો ભારતને વાર્તાનું પિયર માને છે. દરિયો ખેડનારાઓ, કાફલાઓ લઈને હજારો ગાઉની ધરતીની ખેપ કરનારાઓ પોતાની સાથે કેવળ ધનમાલ નહિ, વાર્તા-સમૃદ્ધિ અને વાર્તા-સંસ્કૃતિ પણ લઈ જતા. મેં મનથી સાગરખેડુ, રણખેડુ, પહાડખેડુ બનીને દેશ-વિદેશની યાત્રાઓ કરી અને એમાં જે રત્નો મળ્યાં તે મેં પહેલ પાડીને, વાન અને વાઘો બદલવો પડે તો બદલીને ગુજરાતી બાળકોની આગળ રજૂ કર્યાં. આ વાર્તાઓમાંની ભાગ્યે જ કોઈ વાર્તા જે રૂપમાં મળી તે રૂપમાં મેં જેમની તેમ રજૂ કરી હશે, કારણ કે મારો એ ઉદ્દેશ નહોતો. હું પુરાતત્ત્વનો સંશોધક નથી કે લોકસાહિત્યનો તુલનાત્મક અભ્યાસી નથી. હું તો માત્ર બાળસાહિત્યનો લેખક છું. વસ્તુ બાળકની આગળ રજૂ કરવા જેવું છે કે કેમ તે હું પહેલું જોઉં. પછી તે કેવી રીતે રજૂ કરવું અને તેનો સંદેશો કેવી રીતે વ્યક્ત કરવો – ગૂઢ રાખીને કે અગૂઢ રાખીને, બોધનો ભાર મારા કે બાળકના માથે રાખ્યા વિના જ – તે વિચારી લઉં અને તે પ્રમાણે લખું.
રમણલાલ સોની
[‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (1997)નું સ્વીકાર-વક્તવ્ય]