આપણામાંના ઘણાને વારંવાર જે વિચારો આવતા હોય છે, પણ મન મોકળું મૂકીને કહી નાખવાની હિંમત ચાલતી નથી, તે વિચારો રોબર્ટ લિન્ડના નીચે લખ્યા લેખમાંથી સાંપડે છે :
ગ્રંથકાર બનવાનો પ્રારંભ કરતાં પહેલાં છાતી લોખંડે મઢી લેજો. આટલી વાતની ગાંઠ વાળજો :
1. જેમ લેખકને, તેમ વિવેચકને પણ છૂટથી બોલવાનો હક છે.
2. જેમ લેખકોમાં, તેમ વિવેચકોમાં પણ સારા, નરસા ને વચલા એવા ત્રણેત્રણ વર્ગો હોય છે.
3. વિવેચક દ્વેષ કે કૂડ વગર ગ્રંથકાર પર કડક કલમ ચલાવી શકે છે.
4. રાજકારણમાં આપણે સૌએ એકમત બનવું જોઈએ એમ કહેવું જેટલું હાસ્યાસ્પદ છે, તેટલું જ હાસ્યાસ્પદ આપણે સાહિત્યમાં એકમત બનવું એમ માનવા-મનાવવા નીકળવું તે છે.
5. ટીકા કે વિવેચનથી મુક્ત રહેવાનો ઘમંડ આજે તો સરમુખત્યાર સિવાય કોઈ ન સેવી શકે.
ઝવેરચંદ મેઘાણી
[‘કલમ અને કિતાબ’, સંપા. મહેન્દ્ર મેઘાણી (1987)માંથી]