પરિચય-ચંદ્રકાન્ત શેઠ

શ્રી ચંદ્રકાન્ત શેઠ

મૂળની સાથે મેળ છે ને સત સાથે સુમેળ છે તેવા, સમષ્ટિના સૂર સાથે પોતાના શબ્દનો, શબદનો સૂર મેળવતા-કેળવતા કવિ, અંદરના તેજે વાણીનું સત અને વાણીની શક્તિ પ્રગટાવતા ગદ્યકાર, વિવેચક શ્રી ચંદ્રકાન્ત શેઠે (જન્મઃ ૧૯૩૮) નવલકથા સિવાયનાં બધાં સ્વરૂપોમાં ખૂબ કામ કર્યું છે. ચૌદ જેટલા કાવ્યસંગ્રહ, તેર નિબંધસંગ્રહ, સંસ્મરણ — ‘ધૂળમાંની પગલીઓ’, એક એકાંકીસંગ્રહ, એક વાર્તાસંગ્રહ, ચરિત્રાત્મક લેખોના પાંચ સંગ્રહ, હાસ્યકથા, બાળસાહિત્યનાં સાતેક પુસ્તકો; વિવેચન-સંશોધનના ત્રીસેક ગ્રંથો, સંપાદનના ચાલીસેક ગ્રંથો, અનુવાદ/રૂપાંતરના છ સંગ્રહ તેમની પાસેથી મળ્યાં છે. તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી ભાષા-સાહિત્ય વિભાગના પ્રાધ્યાપક તથા અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા બાદ ૧૯૯૮થી ગુજરાત વિશ્વકોશમાં સેવાઓ આપે છે. ગુજરાતી વિશ્વકોશના સહસંપાદક તથા ગુજરાતી બાળવિશ્વકોશના મુખ્ય સંપાદક તરીકેની તેમની કામગીરી વિરલ છે. તેમની સાહિત્ય સેવા ‘કુમાર’ ચંદ્રક, રણજિતરામ અને નર્મદ સુવર્ણચંદ્રકો, કેન્દ્રીય સાહિત્ય અકાદેમીના ઍવૉર્ડ, આદ્યકવિ નરસિંહ મહેતા ઍવૉર્ડ, દર્શક ઍવૉર્ડ; ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકોથી સન્માનિત થઈ છે.

ચંદ્રકાન્ત શેઠના સર્જનાત્મક સાહિત્યમાંથી ચયન કરીને આ e-book તૈયાર કરી છે. આ e-bookનું સંપાદનકાર્ય યોગેશ જોષી (કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક, ‘પરબ’ના તંત્રી, BSNLમાંથી Dy. General Manager તરીકે નિવૃત્ત), શ્રદ્ધા ત્રિવેદી (બાળસાહિત્યકાર, વિવેચક, સંપાદક, એચ. કે. આર્ટ્સ કૉલેજમાંથી નિવૃત્ત, હાલ ગુજરાત વિશ્વકોશમાં સેવા આપી રહ્યાં છે.) તથા ઊર્મિલા ઠાકરે (ગ્રંથાલયશાસ્ત્રનાં વિદુષી, કવિતાનાં વ્યાસંગી, સંપાદક, કવિતા-વાર્તા-આસ્વાદ-અવલોકન સામયિકોમાં પ્રકાશિત, વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગ્રંથાલય અને માહિતી-વિજ્ઞાનનાં પ્રાધ્યાપિકા તથા અધ્યક્ષ તરીકે નિવૃત્ત, હાલ ગુજરાત વિશ્વકોશમાં સેવા આપી રહ્યાં છે.) કર્યું છે. અન્નકૂટની અઢળક સામગ્રીમાંથી સંપાદકોએ અહીં થોડોક પ્રસાદ પીરસ્યો છે. આશા છે આ પ્રસાદ યાદગાર બની રહેશે.

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.