૭૫. માતાજીને

હું તો બાળ તમારો, માતા! સદાય રાખો સાથે;
કમળ સમો કર રહો તમારો ફરતો મારે માથે!

આ દુનિયાના દોડા કરતાં જ્યારે થાકું ત્યારે,
તમે જ શીળી લહર સમાં મા, ધાજો મારી વ્હારે!

ધોમ ભલે ને ધખે, તમારી છાંય લીમડી જેવી;
ઠારે મારા તનને – મનને આંખ તમારી એવી!

અટાપટાળી અહીંની વાટે અટવાતો રહું જ્યારે,
ઝળહળ આંગળીએ મા, ચીંધો પથ સાચો અંધારે.

અંદર મારે તરસ ઊપડે, ત્યારે અમરત વરસી;
હરિયાળી એવી લહેરાવો, રહું હરિ ત્યાં દરશી!

દર્શનદિન,
૨૪-૪-૨૦૦૨

(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૯૮)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.