ઘોડે ચડીને આવું છું…

ધોળા ઘોડા, કાળા ઘોડા,
રાતા ને રેવાલી ઘોડા,
મોટા ઘોડા, છોટા ઘોડા,
સોનપરીના ઊડતા ઘોડા,
હણહણતા હોંશીલા ઘોડા,
તરવરતા તેજીલા ઘોડા,
પુચ્છે લાંબા વાળ, ઘોડા,
કેશવાળી ઝાળ, ઘોડા,
ટૂંકા ટૂંકા કાન, ઘોડા,
ફૂંગરાતાં નાક, ઘોડા,
ખરી ખખડતી નાળ, ઘોડા,
પીઠે જીન કમાલ ઘોડા,

પાંખ નહીં, પણ પંખાળા,
આંખો તગતગ અંગારા,
ગાડી ખેંચે, ખેંચે રથ,
ખેંચે ટ્રામ, ખેંચે હળ,
સરઘસમાં ચાલે છે ઘોડા,
વરઘોડામાં મ્હાલે ઘોડા,
સરકસમાં થનગનતા ઘોડા,
યુદ્ધ મહીં ધસમસતા ઘોડા,
તીખા ને તોરીલા ઘોડા
ઘોડા… ઘોડા… ઘોડા… ઘોડા,
ઘાસ ખાજો,
ચંદી ખાજો,
મેદાનોમાં ફરવા જજો.
કોક દિવસ તો અમને લઈને
ડુંગરા કુદાવજો,
દરિયા તે ઠેકાવજો,
જંગલમાં ઘુમાવજો,
આભમાં પુગાડજો,
સાહસ ઝાઝાં કરવાં છે;
દુનિયામાં બહુ ફરવાં છે.
ચલ રે ઘોડા, ઝટપટ ઝટપટ,
તબડક ઘોડા, તબડક તબડક…

બા, બાપુજી, આઘાં ખસો,
દાદા, દાદી, આઘાં ખસો,

ઘોડે ચડીને આવું છું,
દુનિયા સાથે લાવું છું,
આવ્યો છું સૂરજની મૉર,
દાદાજી, વહેંચોને ગૉળ!

*

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.