૯. માણસની શોધ – માણસની શ્રદ્ધા

એક શોધ હું સતત કરું છું. ખાખી ડ્રાય કરેલાં કપડાંમાં સજ્જ લશ્કરી સૈનિક છે, ભરાવદાર આંકડા ચઢાવેલી મૂછો છે, ખુલ્લી બૅયોનેટવાળી રાઇફલ હાથમાં રાખી અક્કડ ઊભો છે, જાણે મલખંભ જ જોઈ લો! આ પંચમહાભૂતના પૂતળામાં લાગણી-કલ્પના-વિચાર-વિકાર હશે ખરાં? — મનમાં સ્વાભાવિક જ એવો પ્રશ્ન થાય છે. એ સ્થિર ઊભો છે – મૂર્તિમંત શિસ્ત! ને ત્યાં જ એક અળવીતરો છોકરો આવે છે. થોડી વાર તો પેલા સૈનિક સામે ઊભો ઊભો એનું નિરીક્ષણ કરે છે. એકાદ ડગલું પાસે જાય છે. પોતાની આંખો પર નાનકડી હથેળીઓ મૂકી પાછી એ ખસેડી લે છે. એમ બે-પાંચ વાર કરે છે… પછી જરાક હસે છે…પેલા સૈનિકના આરસિયા ચહેરા પર સ્મિતની જરાક કરચલી પડે છે… ને પછી તો પેલો છોકરડો વિશ્વાસથી એની નજીક પહોંચી ખેલમજાક કરે છે. એક સૈનિકના ચહેરા પર સ્મિતની આછી રેખાઓ જોતાં મારી બેચેની દૂર થઈ! બહુધા માણસના શિકાર માટે બનાવેલી રાઇફલ પકડનાર હાથ માણસના છે, અરે, રાઇફલ બનાવનાર હાથ પણ માણસના હશે – એ રાઇફલ બનાવનાર યંત્રો – એ યંત્રો ચલાવનાર શક્તિનો સ્રોત વહેવડાવનાર માણસ હશે – એ માણસ જે આમ બાળકને જોઈને હસ્યા વિના રહી શકતો નથી એ જોઈને મને જાણે આશ્વાસન મળે છે.

આ ઇસ્ત્રીબંધ હવામાં કોણ જાણે કેમ મને લઘરવઘરતાનું આકર્ષણ થવા લાગ્યું છે. મારા ગામનો ધૂળિયો રસ્તો જ્યારે ડામરનો થયો ત્યારે અમે દરરોજ નિશાળેથી આવીને એ રસ્તાનું કામ જોતા. ડામર ચબૂતરા સુધી પથરાઈ ગયો; હવે તો મહાદેવના મંદિર સુધી ડામર આવી ગયો અને એનો કેવો તો રોમાંચ હતો! પ્રથમ વર્ષાએ આ ડામરની સડક પર કેટલું લપસ્યા હતા! પણ કંઈક વરસો ડામરની સડક પર ગાળ્યાં પછી હવે થાય છે: લોહીનાં ભીંગડાં જેવા આ ડામરના કાળા પોપડા ઉશેટી નાખીએ! ક્યાં છે પેલું લીલુંછમ ઘાસ ને પેલી રવાદાર ધૂળ! કાદવથી આંગળીઓ ખરડવાનું મન થાય છે. રોજ નાહ્યા પછી રવિવાર આવતાં એમ થાય છે કે બસ, આજે તો નાહવું જ નથી; ભલે મેલા-ઘેલા રહેવાય. ડૉક્ટર ભાઈ ભલે બૅક્ટેરિયા ને વાઇરસની વાતો કરતો રહે! રોગ થાય તો ભલે! રોગ થશે તો પાંચ મહાભૂતોના આ કોટડાને થશે. મને શું થવાનું છે? નિશાળમાં બૅન્ચ, ઑફિસમાં ખુરશી, પલાંઠી વાળી બેસાય નહિ. બેસીએ તો અસભ્ય, કપડાંની ઇસ્ત્રી ભાંગી જાય, લોકો હસે! મોઢે ન કહે તો મનમાં તો ટીકા કરે જ. રસ્તા પર સાઈકલ ચલાવો તો અમુક રીતે; ચાલો તો અમુક રીતે; રંગ છાંટો તો અમુક રીતે; ફટાકડા ફોડો તો અમુક રીતે; નહિ ભાઈ! નહિ – આ બધું નથી ફાવતું. નાગરિકશાસ્ત્ર તો ભણ્યા છીએ. નાગરિક ધર્મનાં ધારાધોરણો નથી સમજતા એવું પણ નથી; પણ આ અમારું શું થવા બેઠું છે? આ ઇસ્ત્રી અમારાં કપડાં પર ફરતી નથી, અમારા જીવન પર એ ફરે છે. અમારે ‘ડિસન્ટ’ ને ‘સ્માર્ટ’ નથી દેખાવું. અમારે ભદ્ર વર્ગના નથી ગણાવું. અમને વહેતા મેલી દો ગંદી ગટરોમાં – ગટરોનાં ગંદાં પાણીમાં. મેં કંઈક ગરીબ ભૂલકાંઓને રમતાં જોયાં છે ત્યાં! શું કરે બિચારાં? જાહેર બગીચામાં ઊડતા ફુવારાનાં પાણી પાસે જતાં એમના પગ ઢીલા થઈ જાય છે. કોઈ અકોણાપણું, કોઈ ક્ષોભ – એથી એ બાપડાં દૂર રહે છે. સમાજશાસ્ત્રીઓ ને માનસશાસ્ત્રીઓ, બુદ્ધિવાદીઓ ને તત્ત્વવિદો – એમને જેમ કરવું હોય તેમ કરે! તત્ત્વના ટૂંપણામાં જન્મારો કાઢવો હોય તોય કોણ એમને ના કહે છે? અમે એમનામાંના નથી. અમને નહિ ફાવે એ ઇસ્ત્રીબંધ વર્ગોમાં જીવવાનું. અમારા અજ્ઞાનની દયા ખાઓ, અમારી જાડી બુદ્ધિને હસો અથવા અમારી આ સ્થૂલ સમજનો પ્રતિકાર કરો – જે કરવું હોય તે કરો પણ અમને માણસને અકાળે બુઢ્ઢો બનાવી દેતી હવાથી બચાવો.

પણ ધીરો થા, બાપ નંદ! કોણ તને બચાવવાનું હતું? બચનાર પોતાના બળથી જ બચી શકે. તને કદાચ વલ્કલ ગમે, કદાચ ગુફામાં પડી રહેવું ગમે, હીટર કરતાં તાપણાની પાસે બેસી રાતભર અલકમલકની વાતો છેડવી ગમે – બૅન્ક-બેલેન્સની માથાકૂટ નહિ, આઇડેન્ટિટી-કાર્ડની જરૂર નહિ, લાઇસન્સ કે સર્ટિફિકેટની ઝંઝટ નહિ, પાસપોર્ટ કે વીમા નહિ, પરીક્ષા કે ઇન્ટરવ્યુ નહિ – બસ, ભૂખ લાગે ત્યારે પક્ષીની જેમ ક્યાંક જઈને ફળ ખાઈ આવવું, દિલ થાય તો ખુલ્લા, કોઈ ‘ધાનના ઢગ જેવા શાંત’ તળાવમાંથી ચાંચ ભરીને ચાંગળું પાણી પી લેવું, મરજી પડે ત્યારે ટહુકી લેવું – આ બધું તને મળે પણ નંદ, – તું ખાતરી આપે છે કે ગુફામાં પાછો ફર્યા પછી તું પાછો બંગલામાં આવવાની ઇચ્છા નહિ કરે?

તંત્ર રચનારો સર્જક છે તો તંત્ર તોડનારો પણ સર્જક છે. યંત્ર રચનાર પણ કવિ હતો. પણ નંદ તું અકળાયેલો છે, ક્ષુબ્ધ છે ને તેથી તારી જ સર્જકતાનો તું પૂરો તાગ મેળવવામાં નિષ્ફળ જાય છે. પણ નંદ, તારી આ નિષ્ફળતા જોઈને મને આનંદ થાય છે. તારી અકળામણમાં મને પરિવર્તનની આશા દેખાય છે. તું જેની શોધ કરે છે એ માણસ નાશ પામ્યો નથી. નગરોની હવામાં એ છે; દીવાલોના પડછાયામાં અને યંત્રોની વચ્ચે એ અક્ષત છે જ. મારી શ્રદ્ધા છે, તારી શોધ છે; ને પ્રબુદ્ધ થવા –– રહેવા માગનારને તો શોધ ને શ્રદ્ધા બેય જોઈશે ને?..

(નંદ સામવેદી, પૃ. ૫૬-૫૭)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.