૯૨. – ને છતાં ખડો છું…

ભીની હવા,
ભીના શ્વાસ

ભીંતોમાં ભેજીલી વાસ.

બારીઓ બંધ,
રસ્તાઓ થાકેલા ને હતાશ.

ઊખડેલા ઉંબર,
ઊજડેલાં અંતર.
પાન તૂટેલાં,
ગાન બટકેલાં,
ખંડેરોમાં ખડખડતી પાનખરની પીળાશ!

હું ખડો છું :
દંડો છે હાથમાં,
ગલ્લી છે ગબ્બી પર,
પણ ઈકતો નથી ગલ્લી…
દાવનો ભાર છે માથે
ને છતાં ખડો છું :
ઈકતો નથી ગલ્લી,
ગલ્લી ગબ્બી પર છે છતાં…

બંધિયાર હવામાં
લકવાયો છે દંડો હાથમાં…

(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૧૦)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.