૨૧. ભાભો તો સપાટ

ઊંટ પરનાં ત્રંબાળુથી નહિ જાગનાર ભાભો
જાગી ગયો આજે તેલના ખાલી ડબલાના અવાજે.
ને ભાઈ, જાગ્યો તેવો જ એ તો ભાગ્યો રેશનની લાઇનમાં
રાયપુર દરવાજે.

ઘઉં ગમે ત્યારે ઊડી જાય હવામાં
ને કર્તવ્યની કાળી બિલાડીઓ
ઘીના અભાવે
વ્હાઇટ ઑઇલ ભેળવેલું તેલ પણ લબ લબ ચાટી જાય!
પૃથ્વીના ત્રણ ભાગનાં ખારાં પાણીમાં
પાંચ રૂપિયે કિલોની ખાંડ પણ એમ જ ઓગળી જાય!
ખાંડનાે રાક્ષસ થવાનો નથી
ને સાકરની પૂતળી જનમવાની નથી.
(લાલ ત્રિકોણ અસરકારક છે આમ તો!)
ભોળો ભાભો તો તેલના ડબ્બા પર સૂરજ જુએ!
સૂરજ તો તરબોળ તેલમાં ન્હાતો હશે!
ખાંડ ખાસ્સી ખાતો હશે!
સવારસાંજ ઘીના એ…ય…ને… લચપચ લાડુ જમતો હશે!

સૂરજને મેદ,
લોકોને ખેદ!
સૂરજ તો હવે ‘ઇમ્પાલા’માં જ ફરવાનો!
દિલ્હીમાં જ ઠરવાનો!
ફાઈવ સ્ટારમાં જ ઊતરવાનો!
ને આપણે તો…?

ભાભાનું માથું કોઈ બી ટોપી માટે મોટું,
પણ માથામાં ગડીઓ તો ગણતર જ!
કોકે ક્હેતાં કહ્યું :
‘લાલ દરવાજે તો ગધેડે ગવાય છે ખાંડ, ઘી ને ઘઉં,
દોટ મેલો સહુ!’
સાઇકલ દોડી ને રિક્ષા દોડી,
બસ દોડી ને ભાભોય દોડ્યો – બસની પાછળ,
અમદાવાદી હોલ બૂટ સાથે.

લાલદરવાજે તો ધડ…ધડ…ધડ…
રુશવતખોર શબ્દોની ચકલીઓ ચારે કોર છુટ્ટી,
ગળાબૂડ પાણી… મીઠા શબ્દોનું પાણી… શબ્દોનું સોંઘું અનાજ.
પચ્ચાસ હજાર ટન તેલ – આ લો!
અનાજ ટન અગિયારસો લાખ… લો મૂકો તમારા ગોડાઉનમાં!
દૂધ ને ઘી… પેટ ભરીને જમો! શ્વેત ક્રાંતિ છે!
આપણી આઝાદી છે!

ભાભો પહોળી આંખે ને અધખૂલા મોંએ
ગરડગટ ગરડગટ ગળે ઉતારતો જાય દૂધ ને ઘી,
કાનથી.
હવે તો ના હલાય કે ના ચલાય… પેટ તડમતૂમ.
જાણે ભડકેલી ભેંસનો પહોળો પોદળો!
ભાભો તો ટેં થઈ ગયો!
ભાભો તો સીધો જ જમીન પર સપાટ!
આઝાદ ભારતની ભૂખી ને દુઃખી આમધરતી પર!

(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૬૨)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.