૧૭. ગોપાલ બહુરૂપી

નવું વર્ષ બેસે ને ગોપાલ બહુરૂપી ગામમાં પ્રવેશે. પિન મારતાં પેટ્રોમૅક્ષ જેમ અજવાળું પકડે એમ ગોપાલ બહુરૂપી આવતાં જ ગામનો ચહેરો ઉજાશ પકડે. સફેદ કસવાળું અંગરખું, સફેદ ધોતી, રાજસ્થાની શૈલીની મોજડીઓ, એક પગમાં ચાંદીનું વજનદાર કડું, ગળામાં રુદ્રાક્ષના મણકાની માળા, માથે ઊંચી દીવાલની ખાદીની સફેદ ટોપી – અમે દૂરથી ગોપાલ બહુરૂપીનો વેશ કળી જઈએ. ટોપી નીચેનાં ઓડિયાં ડોકાય. ગૌર લલાટમાં વચમાં કરેલું કુમકુમ તિલક બરોબર ચમકે. સુરમો આંજેલી કાળી મોટી પાણીદાર આંખો, અણિયાળું નાક, પ્રભાવશાળી મુખમુદ્રા, સ્નાયુબદ્ધ પડછંદ સીનો, ગૌરવભરી ચાલ – જોતાં જ માણસ એના પ્રભાવ તળે આવી જાય.

ગોપાલ બહુરૂપીના અવાજમાંયે જાદુ — એક એવો રણકો, જે ટહુકતા મોરમાં કળાય છે. બોલે ત્યારે મીઠું લાગે. સૌને અદબથી બોલાવે. સામાન્ય રીતે બોલે ઓછું, પણ બોલે એવું કે તેનો તોલ થાય. આમ તો બોલે ગુજરાતી; પરંતુ એમાંયે ક્યારેક ઉચ્ચારણમાં બિનગુજરાતી લહેજો વરતાય. પોતા વિશે બહુ ઓછું બોલે. તેથી એના અંગત જીવન વિશે ઝાઝું જાણવું મુશ્કેલ; પરંતુ બિનગુજરાતી હોય તોયે વરસોથી ગુજરાત એણે પોતાનું કરેલું છે. છૂટકત્રુટક વાતો પરથી લાગે છે કે ઘરવાળી અને બેત્રણ બાળકો છે ખરાં, પરંતુ એમની સાથે ઠીક ઠીક વરસથી એને જુદાગરો છે. નિયમિત ખાધાખોરાકીની રકમ ગોપાલ પહોંચાડે છે. કહે છે કે વરસે એક વાર બેસતા વર્ષે આ કુટુંબને મળી પણ આવે છે. બસ, એટલું જ. તે સિવાય તો સતત ઘૂમવાનું. આ ગામ, પેલે ગામ. જાતભાતના વેશ લઈ લોકોને રીઝવવાના. બસ, એ જ એક કામ. બાકીનો સમય જાય પોતાનાં અંગત કામોમાં, પૂજા-પાઠ-ધ્યાન-ધરમમાં. ચોમાસામાં જ નહીં, બારે માસ એક જ ટાણું કરવાનું. રસોઈ જાતે જ કરી લે, મંગાળો ગોઠવીને, જરૂરિયાત સાવ ઓછી. એક ટ્રંક બહુરૂપીના સાજ માટેની અને બીજી ટ્રંક પોતાની ઘરવખરીની. સૂવા માટે એક સાદડી. ચલમની ટેવ ખરી. દિવસમાં કલાકે કલાકે મસ્તીથી ચલમ પીવા જોઈએ. ક્યારેક ચલમમાં ગાંજોયે ભરાય; પણ તે બહુરૂપીનો વેશ કાઢીને આવે ત્યાર પછી જ પિવાય.

ગોપાલ બહુરૂપીનું ભણતર કેટલું એ પ્રશ્ન ખરો; પરંતુ રામાયણ, મહાભારત ને પુરાણોની અનેકાનેક વાતો જાણે. શિવ, શક્તિનાં અનેક સ્તોત્રો પણ મોઢે. વિશુદ્ધ ઉચ્ચાર સાથે સંસ્કૃત શ્લોકો ગાય. હાર્મોનિયમ ને તબલાં સુંદર રીતે વગાડે. તેથી કેટલીક વાર ગામમાં બહુરૂપીનો વેશ કાઢ્યા પછી નવરાશ મળે ત્યારે તે ક્યાંક કોઈ ભજનમંડળીમાંયે આસન લગાવે. સૌને ગોપાલ બહુરૂપીના વ્યક્તિત્વમાં એક સહજ ખાનદાનીની રોનક ઝળહળતી લાગે. ગોપાલનો જેવો દેખાવ સુઘડ એવા જ એના અક્ષર – મોતન કી માળા જાણે!

આ ગોપાલ ગામમાં આવે એટલે રામજી મંદિરની ધર્મશાળામાં ઉતારો કરે. અમે છોકરાઓ એ આવે કે તુરત વણનોતર્યે એની તહેનાતમાં લાગી જઈએ. સવારે ક્યારે ઊઠે છે–થી માંડી ક્યારે સૂએ છે ત્યાં સુધીના એના દૈનિક કાર્યક્રમની સિલસિલાબંધ ઝીણવટભરી નોંધ અમે રાખીએ. વચ્ચે વચ્ચે એને કોણ મળવા જાય છે ને એ કોને મળે છે તેય અમે વેઢામાં રાખીએ. બહુરૂપીને કોઈ પણ રીતે ગામમાં વધારે રોકાવાનું મન થાય એવું હવામાન સર્જવાનો જ અમારો તો વિનમ્ર પ્રયાસ! અમે એને ચલમ માટે દેવતા લાવી આપીએ, પૂજાપાઠ માટે ફૂલો લાવી આપીએ, બહુરૂપીનો વેશ લેવા માટેની જગ્યા સાફ કરી આપીએ ને આવું બધું કરતાંય બહુરૂપી અમને વેશ લેતી વખતે બેસવા દે તો તો ધન્ય ધન્ય! પણ એ ગોપાલ બહુરૂપીના ‘મૂડ’ પર જ અવલંબતું. કોઈ વાર બેસવા દે ને કોઈ વાર મીઠાશથી કહે, ‘અબ તમે લડકો જાઓ, હમો આવીએ છીએ.’ ક્યારેક તો મોજમાં આવે તો છોકરાંઓ પાસે ‘કયો બેસ લઉં?’ એની ફરમાશ પણ માગે. અમે કહીએ કે ‘મદારીનો’ ને સાંજે ગોપાલ બહુરૂપી મદારીની મહુવર બજાવતી નીકળે. (અહીં અમે ગોપાલ બહુરૂપી માટે એ પુરુષ છતાં સ્ત્રીલિંગ વાપર્યું તેનું કારણ વર્ષોજૂની ટેવ! અમે ગોપાલ બહુરૂપીને ‘કેવી’ જ કહીએ! તમારા લોકનું શિષ્ટ વ્યાકરણ માર્યું ફરે!)

ગોપાલ બહુરૂપીને કોઈ કોઈ વેશ લેવામાં ખાસ્સા ત્રણચાર કલાક જાય તો કોઈ વેશ લેવામાં માત્ર પા-અડધો કલાક. જેવો વેશ, તેવી વાણી, ને તેવું જ વર્તન. મારવાડી શેઠ થાય ત્યારે સફરક-બફરકની બોલી અજમાવે. ગોપાલ જ્યારે સ્ત્રીનો વેશ લે ત્યારે ચાલચલણ ને બોલછા અદ્દલ સ્ત્રીની જ. નિતંબ ઉલાળતી રૂમઝૂમતી ચાલ, કટિનો અલબેલો લાંક, વળી વળી ઉન્નત છાતી પરથી સરી જતો છેડો સરખો કરવામાં પ્રગટતું કરાંગુલિનું કોમળ લાવણ્ય, વળી વળીને માથા પરના અંબોડામાં ભરાયેલા પુષ્પને સ્પર્શવું, મુખ પર લજ્જાની રમતિયાળ વાદળીઓ ફરકાવવી, કાજળકાળી આંખ ને ભમ્મરોને નચાવવી–ગામના જુવાનિયાઓ તો ગોપાલ બહુરૂપીની આ જાજરમાન અદાકારી પર આફરીને પુકારતા અને એમની પરણેતરોને ટપારતાયે ખરા કે કપડાં કેમ ઓઢવાં-પહેરવાં ને કેમ બોલવું-ચાલવું એ પેલી ગોપાલ બહુરૂપીને જોઈને શીખો!

આ ગોપાલે એક વાર કર્ણ દાનેશ્વરીનો વેશ લીધેલો, ત્યારે માનશો? – ગામનાં ગરીબગુરબાંને, ભિખારીમાગણને – જે કોઈ સામે મળ્યાં તે સૌને – પૈસા – બે-પૈસા, આની – બે-આની પ્રેમથી દક્ષિણા રૂપે આપેલ! બીજી એક વાર ગોપાલ બહુરૂપીએ અમારા સૌની જાણ બહાર પોલીસ ઇન્સ્પેક્ટરનો વેશ લીધેલો. સાથે ત્રણચાર સિપાઈ-સપરાંયે ખરાં. ગામની દસ-બાર દુકાનો પર દરોડા પાડ્યા. ત્યાં દરેક દુકાને નાસ્તાપાણીયે કર્યાં ને વધારામાં કટકી રૂપે પચીસપચાસેય લીધા. સાંજે ઇન્સ્પેક્ટરસાહેબ દમામભેર પાછા ફર્યા. ગામમાં સૌ સડક. ચોરેચૌટે દરોડાની જ વાતો. ને ત્યાં તો ગોપાલ બહુરૂપીએ હસતાં હસતાં આવી જે જે દુકાનેથી કટકીનાં નાણાં લીધેલાં તે તે દુકાને આભારપૂર્વક પરત કર્યાં ને ત્યારે તો આખા ગામના વાતાવરણમાં જે પલટી આવી… હવામાં જાણે કે ગુલાલ ઊડ્યો!

આ ગોપાલ બહુરૂપી વાંદરાનો વેશ લે ત્યારે ગામનાં સૌ ઘર ચેતી જાય. બારીબારણાં ઉઘાડાં હોય તો આ વાંદરાભાઈ પેસીયે જાય. ખાટલા પર પૌંઆ કે પાપડ–સારેવડાં સૂકવવા મૂક્યાં હોય તો તેય ઝાપટ મારીને આરોગે. કોઈ લોટ દળાવવા જતું હોય તો એનો ડબ્બો ઉતરાવી એમાંથી બાજરીઘઉંનો ફાકોટોયે મારે. ક્યાંક કોઈ પનિહારી પાછળ દોડી એનો ઘડો ઉતરાવી એમાંથી પાણીયે પીએ. પણ આ સૌ ઉધમાત ગામલોક પ્રેમથી વેઠે. ફરિયાદનું તો કોઈને સૂઝે જ નહીં. વળી આ ગોપાલ બહુરૂપીનું વ્યક્તિત્વ જ એવું કે એ જેમ કહે તેમ કરવાનું અને એ જે કરે તે કરવા દેવાનું જ સૌને મન થાય; સૌને એમાં સ્વાદ આવે.

ગોપાલ બહુરૂપી કોઈ વાર અમને બાળકોનેય એના વેશમાં સંડોવે. એક વાર એણે કૃષ્ણ-ગોવાળિયાની ટોળી જમાવી. એ કૃષ્ણ, અમે ગોવાળિયા. સાંજે સીમમાંથી પાછી ફરતી ગાયો જોડે અમે લાગી ગયા. હોકારા, દેકારા, કલ્લોલ ને કિલકારીઓ ને ત્યાં તો ગોપાલે બંસી છેડી. શી હલક! શી માધુરી! અમે ત્યારે જ જાણ્યું કે ગોપાલ બહુરૂપી બંસીયે સરસ રીતે બજાવી જાણે છે.

ગોપાલ જે વેશ લે, એની ઝીણામાં ઝીણી વિગત અસ્લુસૂલ સાચવે. જે વેશમાં હોય એ વેશની માનમર્યાદા, આણ-અદબ બરોબર જાળવે. માતાજીનો વેશ લે ત્યારે તેના ચહેરા પર પવિત્રતાની દીપ્તિ ઊઘડેલી લહાય! એવો વેશ લેતાં પહેલાં પોતે નાહી-ધોઈને પવિત્ર થાય. પ્રભુનું નામ લે. પછી જ શરીર પર માતાજીનો વેશ ચડાવે. આવા વેશ ચડાવતાં ચડાવતાં ક્યારેક ગોપાલ બહુરૂપી બોલેય ખરી, ‘ભાઈ, અપન બહુરૂપી તો ઠીક, સચ્ચી બહુરૂપી તો ઉપર છે. કિતને કિતને બેસ હોય છે. દેખો તો સહી, સબ કે સબ એના બેસ. અપના તો ઠીક છે ભાઈ. સબ બેસમાં રહેવું ઔર સબકે સબ બેસની બહાર સોંસરા નિકલ જવું, સમજ્યા, બચુભાઈ?’ ને પછી સાંભળનારની પીઠમાં ઉમળકાથી ધબ્બો લગાવીને એ હસે.

એક વાર મોટપણે મેં માંડ માંડ જાણ્યું કે ગોપાલ બહુરૂપી જે બાઈને પરણી લાવેલ તેનું મન પરણ્યા અગાઉ જ બીજે લાગેલું હતું. ગોપાલ સાથે પરણ્યા પછીયે એનો વ્યવહાર પેલા બીજા પુરુષ સાથે અનવરુદ્ધ ચાલતો હતો. ગોપાળનાં બાળકોયે ઘણું કરીને તો પેલાથી જ થયેલાં હતાં. ગોપાલને કાને આ વાત આવી. તેણે ખાતરી કરી. પછી કશુંયે બોલ્યા વગર ગોપાલે ઘરમાંથી પોતાની જાતને હળવે હળવે ખેંચી લીધી, કાચબો જેમ અંગોને સંકેલી લે તેમ. હવે એ ભલો, એના વેશ ભલા. પેલી બાઈ પણ પછી તો ગોપાલની આ ઉદારતાથી, આ દિલાવરીથી વલોવાતી ગઈ. એનામાં પણ ગોપાલ પ્રત્યે આકર્ષણ જાગવા લાગ્યું. એક-બે વાર ગોપાલને તેણે વિનંતી કરી ત્યારે ગોપાલે મીઠા ઉપાલંભ સાથે એને કહ્યું, ‘અરે પગલી, હોની થી સો હોઈ. સબ ઠીક હૈ. તેરા બી કામ ચલતા હૈ, મેરા બી. બચ્ચે કો કુછ ભી મત કહેના. દૂધ બિગડા તો દહીં હુઆ. અબ દૂધ બનાને કી બાત હિ નહિ ટિકતી. મખ્ખણ કી હિ ખ્વાહિશ રખો. કસૂર નહીં તેરી હૈ, નહીં કિસી ઔર કિ. ઐસે દેખો તો કસૂર જૈસી બાત ભી કહાં હૈ? યહ તો બેસ હી ઐસા થા તેરે-મેરે લિયે!’ ગોપાલની સ્ત્રી સજળ આંખે આ સાંભળતી રહી ને એ વાત એટલે જ રહી.

ગોપાલને વેશ લેતાં વરસો થયાં. હવે ઉંમરનો માર વરતાય છે. હવે ક્યારેક એ સુદામો બને છે, ક્યારેક સૂરદાસ. ક્યારેક એને થાય છે હવે જે વેશ લઉં, એ એવો લઉં કે પછી છોડવાનું નામ જ ન રહે. ને એ વેશ – ભગવો વેશ – અગનવેશ બહુરૂપીના કાંચનસ્તંભ સરખા દેહ પર ચડ્યો. હવે ગોપાલ બહુરૂપી ગોપાલસ્વામી છે, સ્વરૂપસ્વામી છે. હવે એ ‘બહુરૂપી કેવી’ નથી, ‘ગોપાલસ્વામી કેવા’ છે.

ગયે વર્ષ ચાતુર્માસ ગાળવા અમારે ગામ ગોપાલસ્વામી આવ્યા. મેં મારા સ્મરણના ખલતામાંથી બહુરૂપીના ખેલની જરીજરિયાની વાતો કાઢી ત્યારે તેઓ ખિલખિલાટ હસ્યા. પછી કહે: ‘વો ભજન તો તુંને માલુમ હૈ ને! – ‘અબ મેં નાચ્યો બહુત ગોપાલ!’ એ તો ગોપાલ નાચવાવાળી બાત થી ભાઈ! અબ તો યહ ગોપાલને સબ બેસ નિકાલ કર વો ગોપાલ કો મિલના હે, ભાઈ. બુલાવાકી ઘંટી બજે ઇતની હી દેરી છે. અપની તો સબ તૈયારી હૈ હી.’

(ચહેરા ભીતર ચહેરા, પૃ.૪૫-૫૦)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.