૯૦. ને હું ખડી પડું છું…

આકાશ બંધ
ને આ દરવાજોય બંધ!
ચકરાતી ચાવી
ને અકળાતું તાળું!
સુંવાળી એક વાંસલડીની જ વાગી ગઈ છે ફાંસ.

હવે તો જ્યાં જોઉં ત્યાં બધે જ ઝળૂંબતા
ચિડાયેલા મનના
મૌનભર્યા મધપૂડા!
– મધવિહોણા ને મીંઢા!
હું તો આ ઘર ને પેલું ઘર કરતો કરતો
મારી રેઢિયાળ રેંકડીને પાછી વાળું છું
અડધે રસ્તેથી…

અને ત્યારે મારાં જ પગલાં
બેફામ બની,
મને ચોતરફથી ઘેરી,
મારાં રહ્યાંસહ્યાં ચીંથરાંયે કઢાવી,
મારી અસલયિત ઉઘાડી
મારી ધજ્જી ઉડાવતાં પૂછે છે:
થોરિયાને સાચવતું
કોઈ ઘર જોયું છે ખરું?
ને હું ખડી પડું છું મારા જ ખોડીબારામાં!

(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૧)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.