૨૧. ખુરશી

આપણા એક કવિને – મેઘાણીને – ‘સ્વતંત્રતા’ – એ શબ્દનામમાં અપાર મીઠાશ ભરેલી લાગતી હતી, પરંતુ અમને તો ‘ખુરશી’ શબ્દમાં, એ નામમાં એથીયે અદકેરી મીઠાશ પ્રતીત થાય છે. ‘ખુરશી’ શબ્દના શ્રવણે કેટકેટલા પંગુઓના પગ પંખાળા બનીને ગિરિને લંઘી જવાને ઉદ્યત થાય છે! ‘ખુરશી’ શબ્દની મોહિનીએ આપણા કેટકેટલા સેવાભાવી સજ્જનો મેવાનાં મનોરમ સમણાંમાં મહાલતા હોય છે! જે મહાનુભાવોએ સંગીતખુરશી (મ્યુઝિકલ ચેર્સ)ની શોધ કરી એમણે માનવસ્વભાવના એક મહત્ત્વના પાસાનું એ રમત દ્વારા દર્શન કરાવ્યું છે. આપણું જીવન સંગીતખુરશીની રમત નથી તો શું છે? કોઈક ને કોઈ રીતે – સામ, દામ, ભેદ ને દંડથી ક્યાંક બેસવા જોગી ખુરશી મેળવવી, ખુરશી મળે તો તેના પર જેટલો વખત બેસાય એટલો વખત બેસી રહેવું ને પછી ઊઠવું પડે તો તે નાછૂટકે જ ઊઠવું અને ઊઠ્યા પછીયે પાછા ફરીથી કોઈ ખુરશી હાથ કરવાના પુરુષાર્થમાં લાગ્યા રહેવું. ખુરશીની આવી શક્તિ – આવું સામર્થ્ય જોઈને જ આપણા એક લાડીલા શાયર શેખાદમ આબુવાલા ’ખુરશી’ નામનો કાવ્યસંગ્રહ આપવા પ્રેરાયા જણાય છે. ખુરશી પર બેસવા મળતાં બેસનારને કેવું લાગે છે? –

‘ચઢીને ખુરશીએ એવા તે
અધ્ધર થઈને બેઠા છે,
કે લોકોને તો લાગે છે કે
ઈશ્વર થઈને બેઠા છે.’

(ખુરશી, પૃ.૨)

આમ ખુરશી પર બેસતાં – આપણામાં ખુરશીભાવ જાગતાં તુરત આપણે ઈશ્વરભાવ તરફ ઉત્ક્રાંતિ કરીએ છીએ અને તેથી જ તો ફર્નિચરના સર્વ પ્રકારોમાં એકમાત્ર ખુરશી પર જ મને નાઝ છે.

અમારું ઘર ફર્નિચરની બાબતે સુખી છે. કેટલુંક ફર્નિચર અમને બાપીકા વારસામાં મળેલું છે, તો કેટલુંક પત્નીના સત્યાગ્રહે અને અમારા ચિરંજીવીના અત્યાગ્રહે ખરીદાયેલું છે. મારી પોતાની પસંદગીથી તો ફર્નિચરની માત્ર એક જ આઇટેમ ને તે ખુરશી જ ખરીદાયેલી; પણ એની વાત કરું તે પૂર્વે તમારે ફર્નિચરની વિવિધ પ્રકારો બાબતે પણ તારતમ્યભાવે કેટલુંક જાણવું જ રહ્યું.

આપણે ખાટલા કે પલંગ પર, બાજઠ કે પાટ પર, સ્ટૂલ પર કે પાટલી પર – એમ અનેક પ્રકારના ફર્નિચરનો બેસવા માટે ઉપયોગ કરી શકીએ છીએ; પરંતુ જે સહૂલિયત, જે મસ્તી ખુરશી પર બેસીને કામ કરવામાં છે તે અન્યત્ર ક્યાંય મને જડતી નથી. ખાટલા કે પલંગમાં બેસીને કામ કરવા જતાં આપણું શરીર ૯૦ અંશના કાટખૂણેથી લંબાતું લંબાતું ૧૮૦ અંશના ખૂણામાં – સીધી રેખામાં ગોઠવાઈ જાય છે અને તેથી તુરત જ નિદ્રાદેવીને એનો પોતાના વાહન તરીકે ઉપયોગ કરવાનું ફાવી જાય છે. આવી જ દશા ગાદી-તકિયે બિરાજતાં થાય છે. ગાદીતકિયાને અનુકૂળ શરીરની પોઝિશન થતાં જ પ્રમાદનો પ્રભાવ વધવા માંડે છે. રાજગાદી મળતાં સત્તાનું જે ઘેન ચઢે છે એ ઘેન ભલે આપણે ન માનીએ, પણ કંઈક એવું ઘેન ગાદી પર બેસતાં ચડવા માંડે છે અથવા ગાદીપતિને આવતાં હોય એવાં રંગરંગીન દિવાસ્વપ્નો આંખ સામે તરવા માંડે છે. આપણને ક્યારેક તો એમ પણ થઈ આવે કે આપણે ગાદી પર મોગલાઈ ઠાઠ સાથે વિરાજ્યા છીએ ને આપણી સામે મહેફિલમાં અનેક નાજનીન ખૂબસૂરત રીતે નાચતાં મુજરો કરી રહી છે!

સ્ટૂલ પર બેસતાં તુરત જ જાણે આપણે દુનિયા આખીના પટાવાળા હોઈએ એવો ભાવ મગજમાં ઘૂસી જાય છે અને આપણામાં તેથી લઘુતાગ્રંથિ બંધાઈ રહે છે. જેવા આપણે સ્ટૂલ પર બેસીએ છીએ તેવા જ આપણે સરવે-કાન થઈ જઈ આપણાં ઘરવાળાંની કાન્તાસમ્મિતતયા આજ્ઞા ઝીલવા તત્પર થઈ જઈએ છીએ! વળી આ સ્ટૂલ આપણે એ ખ્યાલથી લાવેલા કે આપણાં ઘરવાળાં હવે આપણી ઊંચાઈનો લાભ ઉઠાવવાનો લોભ છોડી દઈને પંડે જ છાજલીઓ પરનાં ડબ્બાડબ્બીઓ સ્ટૂલ પર ચઢીને ઉતારશે. પણ હાય ઠગારી આશા! શ્રીમતીજી તો સ્ટૂલ લાવ્યા પછીયે આપણને જ એવાં નાચીજ કામો માટે સ્ટૂલ પર ચઢાવતાં હોય છે! ખરેખર માણસોને જાતે કામ કરવા કરતાં બીજા પાસે કામ કરાવવામાં વધારે ટૅસ પડતો લાગે છે. સ્ટૂલ પર ચઢીને પછી જાતે ઊતરવું પડે એ કરતાં બીજાને સ્કૂલ પર ચઢાવીને પછી એને બાહુકમ તેના પરથી ઉતારવાનું માણસને વધારે ગમે છે.

સ્ટૂલ છોડીને હીંચકો રાખીએ કામ કરવા માટે તો એનીયે રામાયણ કંઈ ઓછી નથી. એક તો અમારું ઘર નાનું, દીવાનખંડ નાનો. એમાં ઝાઝું ફર્નિચર, તેથી વૈકુંઠ નાનું ને ભગત ઝાઝાં એવો અમારો તાલ! હીંચકો બાંધ્યો ભલે, પણ મનમાન્યો તો ખવાય જ નહીં! હીંચકો આગળ ધસે તો પલંગને અથડાય ને પાછળ ધસે તો ફ્રીજને અથડાય. તેથી અમારાં શ્રીમતીજીએ અમને કડકાઈથી કહેલું કે ‘તમારે હીંચકો બાંધવો હોય તો ભલે, પણ તે ખવાશે નહીં.’ આમ છતાં આનંદશંકર ધ્રુવ હીંચકે બેસીને એમનું ઘણું સાહિત્યકાર્ય કરતા એ વાત જાણ્યાથી પ્રોત્સાહિત થઈ અમે ઘરમાં – નાનકડા દીવાનખંડમાં હીંચકો તો બાંધ્યો જ, પણ એ ન બાંધ્યા જેવો જ રહ્યો. હીંચકે બેસતાં જ અમારું કવિમન હદ બહાર ઝૂલવા લાગતું અને પરિણામે અમે નાનકડા કામમાંયે જે રીતે એકાગ્ર થવું ઘટે તે રીતે એકાગ્ર થઈ શકતા નહીં. વળી શ્રીમતીજી તરફથી, ‘જોજો, હીંચકો ખાતા, અથડાશે!’ એવા ભયનિર્દેશક વચનો સંભળાવાના ભણકારા પણ અમને અમારા કામમાં એકાગ્ર થવા દેતા નહીં. પરિણામે અમે બાંધેલો હીંચકો ભગવાનની હિંડોળાની સિઝનમાં જ છોડ્યો.

એ પછી અમે ભર્તૃહરિ ને મીરાંબાઈ જેવાં આપણાં સજ્જન-સન્નારીઓનાં સુભાષિતો યાદ કરી ભૂમિતલ પર બેસવાની આપણી અસલી આર્યપદ્ધતિનોયે અમલ કરવાનો પ્રયત્ન કરી જોયો. મૃગચર્મ કે ઊન-રેશમના આસનિયાના અભાવે અમે શણનું આસન – સિમેન્ટની કોથળી – પાથરીને એના પર પલાંઠી વાળી, ઢાળિયું રાખીને આત્માની અમૃતકલા એવી કવિતા લખવાનો સત્‌પ્રયત્ન કરી જોયો. આવા પ્રયત્નમાં અમે ઝાઝું ટકી શક્યા નહીં. માંડ દસ પંદર મિનિટ જાય, હજુ કવિતાની પહેલી જ કડી માંડ બેસાડી હોય ત્યાં જ કરોડરજ્જુમાં દર્દ ઊપડે, આપણી કરોડમાંના બરોબર બેઠેલા મણકા જાણે આઘાપાછા થવા કરે, આપણને પ્રશ્ન થાય: આ રીતે બેસીને ભૂતકાળમાં કોઈ વાલ્મીકિ, વ્યાસે મહાકાવ્ય લખ્યું હોય તો ભલે; આપણાથી તો એક નાનું-શું હાઇકુયે લખી નહીં શકાય.

આમ અનેક શાસ્ત્રીય પ્રયોગો – અજમાયશો પછી બેસવા માટે ખુરશી લાવવાનો પવિત્ર સંકલ્પ અમે કર્યો. જેવો મને ખુરશીનો સંકલ્પ થયો કે તુરત જ ખુરશી કેવી ખરીદવી, ક્યાંથી ખરીદવી, કેટલા સુધીમાં ખરીદવી વગેરે જાતભાતના પ્રશ્નો ચિત્તમાં જાગવા લાગ્યા; તેથી જ્યારે દીપોત્સવી અંકો માટે લેખો લખવાની ફુલ સિઝન આવેલી ત્યારે જ લગભગ એકાદ સપ્તાહ તો ખુરશીના વિચારમાં જ ચાલી ગયું. જોકે મારે ખુરશી ખરીદવાની હતી તેથી મારે એક અઠવાડિયાની ગડમથલ થઈ; પણ જો મારે ક્યાંકથી કોઈની ખુરશી આંચકી લાવી એના પર ચડી બેસવાનું હોત તો, કોણ જાણે કેટલાંય અઠવાડિયાં ગડમથલ કરવાની થાત!

ખુરશી ખરીદવાનો વિચાર આવતાં જ પ્રકૃતિએ આરામપ્રિય એવા મને આરામખુરશી ખરીદવાનું પ્રથમ સૂઝે, પરંતુ એ તો નિવૃત્ત અને વૃદ્ધ સજ્જનોને માટે જ વધારે ઇચ્છવાયોગ્ય; એટલે આરામખુરશી ખરીદવાની વાત તો મેં મનમાં ઊગતી જ ડામી દીધી. પછી મેં ગાર્ડનચૅરનો વિચાર કર્યો, પણ પછી મને થયું, હું ગાર્ડન વિનાના ઘરવાળો, ફલૅટ ખરીદતાં જ ફલૅટ થઈ ગયેલો, મારે વળી ગાર્ડનચૅરના ઓરતા શા? વળી અાવી ચૅર્સ જ માણસમાં એશઆરામ ને ઉડાઉપણાની વૃત્તિઓને બહેકાવે છે, માટે એ તો ન જ ખરીદાય. એ પછી મેં ગોદરેજ જેવી આપણી કેટલીક ફર્નિચર માટેની સુખ્યાત કંપનીઓનો વિચાર કર્યો. ખુરશી લોખંડની ખરીદવી કે લાકડાની, નેતરની ખરીદવી કે પ્લાસ્ટિકની – આવા આવાયે કૂટ સવાલો હતા; પરંતુ એ બાબતમાં મેં મારું મન ઓપન યુનિવર્સિટીની જેમ ઓપન રાખેલું. મને થયું, કોઈ બી ખુરશી ચાલે; બેસવે, કામ કરવે, અનુકૂળ જોઈએ ને સોંઘી જોઈએ. જ્યારે ખુરશી સોંઘી ખરીદવાની વિચારણા મેં કરવા માંડી ત્યારે મારે કોઈ જાણીતી કંપનીની ખુરશી ખરીદવાનો વિચાર અનિચ્છાએ છોડી દેવો પડ્યો. એ પછી ઘરે સુથાર બોલાવી ખુરશી બનાવવાનો વિચાર પણ કરી જોયો, પરંતુ સુથારને હું પ્રધાન નહીં, એક અદનો સાહિત્યકાર, તેથી મારી એક જ ખુરશીમાં એને જરાયે રસ ન પડ્યો. નાછૂટકે હારી-થાકી મારી છેવટે મારા એક બાલગોઠિયા બચુભાઈની મદદ લેવી પડી. બચુભાઈને બચત સાથે બહુ બનતું. એનું દરેક પગલું બચત તરફનું જ દેખાય. એની સલાહ પણ બચતની. જ્યારે મેં ખુરશી ખરીદવાની બાબતમાં એની સલાહ માગી ત્યારે તે હસતાં હસતાં મારા બરડામાં ધબ્બો લગાવતાં કહે, ‘શું યાર તું? એક કહેતાં એકવીસ ખુરશી હાજર કરી દઉં. તું માગે તેવી હાજર કરી દઉં.’

મેં કહ્યું: ‘પણ મારે ખુરશી મોંઘી ખરીદવી નથી.’

એ કહે: ‘તું કહે તે લિમિટમાં ખરીદીશું. તું આ રવિવારે મારી સાથે ગુજરીમાં આવજે. તને ત્યાંથી મજબૂત ને કિફાયત ભાવની ખુરશી અપાવીશ.’

મેં જ્યારે આ રીતે ગુજરીમાંથી ખુરશી લાવવાની વાત શ્રીમતીજીને કરી ત્યારે તે સખત રીતે નારાજ થયાં. એ ગુસ્સે થઈને કહેઃ ‘તમારે એવી જૂની ખુરશી ખરીદવી છે? તમને તો નહીં, મને શરમ આવે છે. ટેબલ નવુંનક્કોર, ગોદરેજનું, મારા બાપે આલેલું ને એની આગળ ખુરશી આ ગુજરીની લાવીને મૂકીશું? આવું નાતરું મને પસંદ નથી.’

મેં કહ્યું: ‘મનેય પસંદ નથી ગુજરીની ખુરશી, પણ શું થાય?’

‘તમે મારા બાપે આપેલી ગોદરેજની મજબૂત ખુરશી પણ જો બેસી બેસીને તોડી નાખી, તો પછી આ ગુજરીની ખુરશી તમે કેટલો ટાઇમ સાચવી શકશો? મારે ઘરમાં ગુજરીની ખુરશી નહીં જોઈએ.’

મારે નાછુટકે બચભાઈ આગળ ‘ગુજરીની ખુરશી મારે નથી લેવી’ – એવું કહેવું પડ્યું. એ વખતે હું જાણે કોઈ પ્રધાનપદની ખુરશી લેવાનો ઈનકાર કરીને બેવકૂફી આચરતો હોઉં એવું એમને લાગ્યું; પરંતુ બચુભાઈ મારા નન્નાથી ન હાર્યા, તેમણે અમારાં ઘરવાળાંને વિશ્વાસમાં લીધાં અને એક શુભ રવિવારે ઘરમાં હું જ્યારે ટી.વી. પર ‘રામાયણ’ની સીરિયલ જોવામાં લીન હતો ત્યારે બચુભાઈ ને અમારાં શ્રીમતીજી ગુજરીમાંથી ખરીદેલી ખુરશી સાથે ઘરમાં પ્રવેશ્યાં. મને થયું કે સાક્ષાત્ ઇંદ્ર રાજાએ સ્વર્ગમાંથી મારા માટે ઇંદ્રાસન મોકલ્યું. હું રાજીરાજી થઈ ગયો. મને એ ખુરશી વિક્રમના બત્રીસ પૂતળીવાળા સિંહાસન કરતાંયે વધુ ચમત્કારિક લાગતી હતી. એના પર બેસતાં મને જાતભાતની કલ્પનાઓ, કાવ્યો ને વાર્તાઓ – એવુંતેવું બધું સૂઝતું હતું! હું શ્રીમતીજીના કરતાંયે વધારે આ ખુરશીના બાહુપાશમાં રહેવાનું પસંદ કરતો હતો. તેથી સમય જતાં શ્રીમતીજીને આ ખુરશી પ્રત્યે શોક્યના જેવો ભાવ થયો. તેઓ મારી આ લાડકી ખુરશીને સરખી રીતે લૂછે નહીં; એના પર ગાદી પણ સરખી રીતે ન ગોઠવે; મારી એ ખુરશી પર કોઈ ટાબરિયું બેસીને તોફાન કરે તોયે ન ટોકે. એ મારી ખુરશીની કોઈ અઘટિત રીતે છેડતી કરે તો તે શાંતિથી જોઈ રહેતાં! મારાથી આ સહન નહીં થતું, પણ શું થાય? આપણે રહ્યા સંવેદનશીલ કવિજીવ! આપણે તો શ્રીમતીજીના મનોવલણને સમજીએ ને? તેથી ખામોશી રાખવામાં જ ઔચિત્ય જોયું. મને સ્ત્રી અને ખુરશી બંનેય વિશે વિચાર આવવા લાગ્યા. બંનેયની મોહિની ભારે હોય છે. એક વાર માણસ જો ચાહીને એ મેળવે છે તો પછી તેને છોડવાનું ભાગ્યે જ નામ લે છે; દુનિયામાં ઘણી લડાઈઓ જો સ્ત્રીના કારણે લડાઈ છે તો ખુરશીના કારણેય લડાઈ છે. જર, જમીન ને જોરુ એ ત્રણેય કજિયાનાં છોરું છે તો ખુરશી મારી દૃષ્ટિએ કજિયાની જનેતા છે.

આપણા બાપદાદાઓ કદાચ ખુરશીના આવા બધા ગુણોથી વાકેફ હશે. તેમણે રાજસિંહાસનની રચના કરી તો એમાં રાજા સાથે તેની રાણી–પટરાણી બેસી શકે એવીયે વ્યવસ્થા કરી. મને તો લાગે છે કે આજના સમયમાં તો પતિ-પત્ની બેય બેસી શકે એવી ટુ-સીટર – બે બેઠકવાળી ખુરશીની વ્યવસ્થા કરવી જોઈએ. તેમાંયે જે કવિ-લેખક હોય તેના માટે તો ખાસ! એ જ્યારે કાવ્યસર્જન કે લેખન માટે ખુરશીમાં બેસે ત્યારે તેની પડખે તેની પ્રેરણાદાત્રી પ્રિયતમા પણ બેસી શકે એથી વધારે રૂડું શું? તમારામાંથી કોઈ મારી ટુ-સીટર ખુરશીની વાતને બે-ત્રણ જણ બેસે તેવા બાંકડા કે સોફાનું જ આ બીજું નામ છે એમ કહી ટાળી દેશે તો તે હું સાંખીશ નહીં! મારી આ ટુ-સીટર ખુરશીની વાત જ્યારે મેં શ્રીમતીજી આગળ કાઢી ત્યારે કહે: ‘તમને કોણે કવિ બનાવ્યા એ જ મને સમજાતું નથી! બે જણને બેસવા બે બેઠકવાળી જ ખુરશી જોઈએ? કેમ એક બેઠકવાળી ખુરશી પર બે જણ ન બેસી શકે? વળી તેમાં પતિ અને એની અર્ધાંગના — પત્ની હોય ને બેય એક આસને બેસે તો વધુ મીઠાં લાગે. પતિ-પત્ની બેય પરસ્પર અર્ધાસનનાં અધિકારી તો ખરાં જ ને?’ મને શ્રીમતીજીની રસિકતા ને રસજ્ઞતા માટે અહોભાવ થયો. મેં ઉમળકાભેર કહ્યું: ‘આવો, આપણે તમારી વાતનો અનુભવ કરીએ.’ ને હું તેમનું પાણિગ્રહણ કરી તેમને ખુરશી પર બેસાડવા જતો હતો ત્યાં જ અમારા ચિરંજીવી પધાર્યા. તે મારી ખુરશી પર બેસી જઈ કહે, ‘પપ્પા, તમે ને મમ્મી મારી આજુબાજુ ઊભાં રહો તો સરસ ફોટો આવે, નહીં!’

‘સાચે જ આપણા સૌનો સરસ ફોટો આવે!’ મેં કહ્યું.

‘સાથે તમારી આ ખુરશીનોયે ખરો જ ને!’ શ્રીમતીજીએ સસ્મિત ઉમેર્યું ને મેં પણ સહજ મલકીને એમની વાતને મારું સુકુમાર સમર્થન પૂરું પાડ્યું.

(હેત અને હળવાશ, પૃ. ૧૮૪-૧૯૧)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.