૧૦૯. હું તાે મારા હુંને કહું છું

હું તો મારા હુંને કહું છું : ‘બ્હાર નીકળ, તું બ્હાર!’
હું તો મારા મનને કહું છું : ‘માર મમતને, માર!’ –
પાંખ ભીડી બેસી ર્હેનારો
કદી થાય શું ખગ?
તેલ-વાટ વિણ કેમ કોડિયે
પ્રગટ થાય કો શગ?

ભીંતો વચ્ચે ઘરમાં ક્યાંથી ગગન કરે સંચાર?
ખોલવાં પડે બંધ સૌ દ્વાર! –

અંદર જેથી ખવાણ ચાલે
એ સાકર શું ખપની?
ભીતર ભૂખી ભમે ભુતાવળ,
એ ભાખર શું અપની?
હું-ને કહું છું : ‘ઉતાર તારો દશમાથાળો ભાર!
આપણે જવું પંડની પાર!’ –

૨૪-૧૧-૨૦૧૩
૩-૧૨-૨૦૧૩
૨૭-૦૨-૨૦૧૪

(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૫૯)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.