અનિલનો ચબૂતરો

 

અનિલની હવેલી પાસે એક ચબૂતરો હતો. ખૂબ સુંદર! કલામય! ગામની એ શોભા ગણાતો. વરસો પહેલાં એ બંધાયેલો, પણ બાંધણી એની જેટલી મજબૂત, તેટલી જ એની કારીગરીયે અફલાતૂન. એનો ચોતરો આરસથી જડેલો. એના પરના સ્તંભમાં નાજુક કોતરણી. એની ટોચે ષટ્કોણ આકારનો, ચારેય બાજુથી ખુલ્લો છત્રી જેવો ભાગ. એની છતને ટેકો આપવા લાકડાની નાની નાની પૂતળીઓ. છતની ફરતે તોરણ જેવો ભાગ. તેમાં ફૂલ-વેલ ને પંખીઓની આકર્ષક ભાત કોતરેલી. લોકો તો આ ચબૂતરો ફરી ફરીને જોતાં જાય ને એના કોતરનારને, એના બંધાવનારને ઊલટભેર વખાણતા જાય. સરકારેય આ પ્રાચીન ચબૂતરાની નમૂનેદાર કલા-કારીગરી જોઈ એનું જતન કરવા જરૂરી પગલાં લીધાં હતાં.

આ ગામ-ચબૂતરાનો વહીવટ કરતા અનિલના પિતાજી. ગામના એ શેઠ. સરપંચ પણ ખરા! ગામ આખાની કાળજી રાખે. તેમાં ચબૂતરાની તો ખાસ! ચબૂતરાની રોજેરોજ સફાઈ થતી. એના પર કોઈ આડાઅવળા લીટા ન કરે, ચિતરામણો ન કરે એની તકેદારી રખાતી. ગામમાં કોઈ માનવંતા મહેમાન પધારે ત્યારે ગામનો આ ચબૂતરો ખાસ બતાવવામાં આવતો. ગામનું તો એ નાક. આ ચબૂતરાની ટપાલ-ટિકિટ કાઢવાનીયે અનિલના પિતાએ ટપાલખાતાને અને અન્ય લાગતા-વળગતાઓને વિનંતી કરેલી!

એક દિવસની વાત! અનિલ એની અગાશીમાં સૂતો હતો. અગાશી ને ચબૂતરા વચ્ચે ઝાઝું અંતર ન લાગે! સવાર થવામાં હતું. આસપાસ આછુંપાતળું અજવાળું હતું. અનિલની આંખમાં હજુ ઊંઘ લહેરાતી હતી. અનિલ હજુયે જાણે કોઈ સ્વપ્નની દુનિયામાં તરતો હતો. એને પોતાની નજીકમાં કશીક ગુસપુસ થતી લાગી. કોણ હશે આટલી વહેલી સવારે? એને પ્રશ્ન ઊઠ્યો. એને એમ લાગ્યું કે પોતાની અગાશી ને પેલા ચબૂતરા વચ્ચે કશીક વાતચીત ચાલે છે! પલવારમાં તો એનો શ્વાસ જાણે ચાલતો અટકી ગયો. તે આશ્ચર્યમાં પડી ગયો. તેણે ધ્યાન દઈને સાંભળવાનો પ્રયત્ન કર્યો. ચબૂતરો ત્યારે અગાશીને કહેતો હતો: ‘બહેન, હવે હું અહીં ઊભો ઊભો થાક્યો છું. ક્યાં સુધી આમ નકામું મારે અહીં ઊભાં રહેવાનું?’

‘કેમ નકામું?’ અગાશીએ પ્રશ્ન કર્યો.

‘નહીં તો! હમણાંનું તો અહીં કોઈ ચકલુંયે ક્યાં ફરકે છે?’ ચબૂતરાએ જણાવ્યું.

‘કેમ? રોજેરોજ અહીં કેટલા માણસો આવે છે તને જોવાને! અમારી તરફ તો કોઈ આંખ ઊંચકીને જોતુંય નથી!’

‘પણ એથી શું? હું તો પંખી-પારેવાંની વાત કરું છું. અને ઊભો કર્યો છે, પંખીઓ માટે. પણ કોઈને પંખી માટે પાશેર ચણ અહીં નાખવાનુંયે સૂઝતું નથી! પંખી માટે પાણીની ઠીબ પણ કોઈ ભરી રાખતું નથી! પંખી આવે તો શું ખાય અને શું પીએ?’

‘ખરી વાત ભાઈ! લોકો તમે કેવા રૂપાળા છો એ જોવા આવે છે. તમારાં ભરપેટ વખાણેય કરે છે પણ તમારું જીવતર પંખીઓ વિના કેવું ભેંકાર લાગે છે એ જોતાં નથી!’

અગાશીએ આ સાંભળતાં જ કહ્યું: ‘આ તો મંદિર ખરું, પણ એમાં દેવ જ નહીં – એવું થયું!’

‘એ તો વાત છે!’ ચબૂતરો બોલ્યો.

‘તમારા થાનકે કોઈ પણ ચણ ન નાખે, દાણોપાણી ન નાખે તો પંખીઓ ક્યાંથી આવે? તમે તો ઊભા છો ભૂખ્યાં-તરસ્યાં પંખીઓના વિસામા માટે જ! જેવાં પાંખ વગરનાં પંખીઓ, તેવા પંખીઓ વિનાના ચબૂતરાભાઈ તમે! ખરું ને?’ અગાશીએ સમભાવથી કહ્યું.

‘બહેન, આમ ને આમ ખાલી ઊભા રહેવાનો ભારે કંટાળો આવે છે મને! ભૂખ્યાં-તરસ્યાં પંખીઓને ખાવા-પીવાની સગવડ ન મલે તો મારું હોવું શું કામનું!’ ચબૂતરો દુઃખ સાથે બોલ્યો. અગાશીએ તેને આશ્વાસન આપતાં કહ્યું: ‘ભગવાન સૌ સારાં વાનાં કરશે. આપણો આ અનિલ છે તે સમજદાર છે. એ તમારું દુઃખ જાણશે તો તરત જ એ દૂર કરીને રહેશે.’

‘તું કહે છે તો આશા રાખીએ!’

ચબૂતરો નિસાસા નાખતો શાંત થયો અને અગાશી પણ ચબૂતરો પંખીઓથી કલરવતો થાય એ માટે મૂંગી મૂંગી પ્રાર્થના કરવા લાગી.

અનિલને ચબૂતરો જાણે મૂંગો મૂંગો આંસુ સારતો હોય એવું લાગ્યું. એ તરત પથારીમાંથી ઊભો થયો. માને ઉઠાડી અને તેને ચબૂતરાની વાત કરી. માએ પણ તુરત અનિલને કહ્યું: ‘બેટા, અમેય કેવાં! ચબૂતરાની શોભા જોતાં રહ્યાં, પણ ચબૂતરો પંખીઓ વગર સૂનો પડી ગયેલો એ તો જોયું જ નહીં. હવે આપણે આજથી રોજેરોજ ચબૂતરે દાણા નાખીશું અને ત્યાં પાણી ભરીને ઠીબ પણ મુકાવીશું. હવે પંખીઓને દિવસ-રાત ચણ અને પાણી મળશે, બસ!’

અને પછી રોજેરોજ અનિલનાં મા સવારે ઊઠી, તુલસીક્યારે દીવો કરી, પછી ચબૂતરે જઈ ત્યાં પંખીઓ માટે ચણ ને પાણીની સગવડ કરતાં. એ જોઈ પછી તો ગામનાં બીજાં લોકો પણ ચબૂતરે ચણ નાખવા લાગ્યાં.

હવે તો ચબૂતરો જ જાણે પંખીઓની પાંખોએ ફડફડતું કોઈ કલરવતું ઝાડ ન હોય! અનિલ તો પછી દિવસમાં બે-એક વાર ચબૂતરે ન જાય તો એને ચેન જ પડતું નહીં. ચબૂતરે આવતાં પંખીઓને જોવાની – એમને સાંભળવાની, એમની ગણતરી કરવાની એને મજા આવતી. પછી ચબૂતરાની સાથે અગાશીયે પંખીઓથી કલ્લોલ કરતી થઈ ગઈ. અનિલ તો ઘણી વાર માના હાથમાંથી ચણ લઈ, પોતાની હથેળીમાં રાખી પંખીઓને ચબૂતરાની જેમ નોતરુંય આપે છે – ચણ ચણવા ને કલરવ કરવા. હવે તો અનિલ પણ ચબૂતરાને અને અગાશીને પંખી જેટલો પ્યારો લાગે છે!

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.