૭૯. અને ઊડવા માંડ્યાં પાન…

અને ઊડવા માંડ્યાં પાન એકસામટાં બધાં!…
સોયદોરો ને સાંધનાર,
એ રીતે કોઈ બાંધનાર,
બચ્યું છે ક્યાંય આપણી આ હકૂમતમાં?
આજે શબ્દ ઊડ્યા,
તો આવતી કાલે ઊડશે સત્યતાયે!
પૂછું છું : એક સીધીસાદી સફરમાં
બધું અણધાર્યું અખળડખળ કેમ થાય છે?
સાહસે નીકળેલા રસ્તાઓ
કેમ વળી જાય છે પાછા?
સવળા જે પવન,
અવળા થાય છે શા માટે?
શા માટે ફેરવી નાખે છે શઢના સંકલ્પ?

ચાવી દીધી,
સમય મેળવ્યો,
પણ વ્યર્થ!
અંદર ક્યાં છે મેળ
આપણાં ચક્રોનો અરસપરસ?
કહું છું : આ પાનની આડેધડ ઉડાણ
ક્યાં સુધી ચાલશે?

જેને વિશ્વાસપૂર્વક પાન પછી પાન રચ્યું,
જેને પ્રેમપૂર્વક પાન પછી પાન બાંધ્યું;
એના વિશ્વાસનું શું?
– પ્રેમનું શું?

ઉડાવી દેવા જેવું તો કંઈ કેટલુંયે છે,
ને પવનને પાન લાગ્યાં ઉડાવવા જેવાં?
પવન પણ એક સ્થાપિત હિત,
એક ભેળસેળિયો અવતાર,
ને છતાં નથી થઈ શકતો એનો બહિષ્કાર;
આપણે લાચાર, આપણા શ્વાસથી!

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૩૧)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.