૨૯. કાંકરીચાળો ને પથ્થરમારો

કાંકરી ને પથ્થર – બંને એક જ વસ્તુનાં બે રૂપ! એક નાજુક, — બીજુ કઠોર! સિવાય કે આંખમાં કે મુખમાં, બીજી રીતે કાંકરીની બીક ભાગ્યે જ લાગે છે, જ્યારે પથ્થરની? ભાઈસા’બ, વાત જ ન કરો એની! આજકાલ છાશવારે જે રીતે લોકોના હાથમાંથી પથ્થરો ઊછળે છે એ જોતાં ઘડીભર તો એમ થાય છે કે આપણે પાછા પથ્થરયુગમાં તો વળ્યા નથી ને! જોકે એ પથ્થરયુગ તો સારો હતો; પથ્થરોનો નાછૂટક હથિયાર તરીકે તો ખરો જ, પણ રચનાત્મક રીતે, ઓજાર તરીકે ઉપયોગ થતો હતો; જ્યારે આજના પથ્થરયુગમાં તો પથ્થર કેવળ લોહીતરસ્યો જ બની ગયેલો દેખાય છે! આજે જે રીતે ખંડનાત્મક વૃત્તિથી પથ્થરો ફેંકાય છે તેથી કેટલીક વાર તો એમ થાય. છે કે જૂનો પથ્થરયુગ ફરીથી આવ્યો, પરંતુ પથ્થરમારાનો યુગ થઈને!

પથ્થરને દેવ તરીકે પૂજનારા હશે, પણ એનો ભય આજે એટલો સતાવતો નથી; જેટલો પથ્થરને શસ્ત્ર તરીકે ભજનારાઓનો ભય મને સતાવે છે! પથ્થર લઈને કોઈનું માથું ફોડવા નીકળનારો, પહેલાં તો પથ્થરથી પોતાની અંદરની માનવતાનું માથું ફોડી દેનારો બને છે! પોતાની અંદરની માધુરીને માર્યા વિના માણસ કઠોર થઈ શકતો નથી અને એ રીતે પથ્થરથી પોતાનો ઘાત કર્યા વિના માણસ બીજાનો ઘાત કરી શકતો નથી. પથ્થરને હથિયાર તરીકે વાપરવા માટે માણસને માણસ મટી સવાયા પથ્થર થવું પડે છે!

પણ આ પથ્થર કરતાં કાંકરી સારી! કાંકરીનો તો બાળપણથી જ મીઠો અનુભવ! કૂકા ને કાંકરીની ઘણી રમતો ચાલી! પાંચ, સાત ને નવ કાંકરીની કેવી મજેદાર રમતો હતી એ! અમે અમારી કાંકરીથી ઓળખાતા! અમારી કાંકરી જીતે ને અમે જીતીએ! અમારી કાંકરી અવળી ચાલે ને અમેય જાણે અવળા ચાલીએ! આ કાંકરીથી અમારી આસપાસ બેસીને એકાગ્ર ચિત્તે સ્વાધ્યાયનિરત રહેતા ભાઈબંધને ધ્યાનભંગ કરવાનીયે મજા આવતી! કાંકરી જાણે મેનકાના કુળની અપ્સરા ન હોય! કાંકરી ભાઈબંધના શરીરને અડે ને વીજળીનો જાણે આંચકો લાગે! પછી તો મોટા થતાં કૃષ્ણકનૈયાની નટખટ કાંકરીની વાતોય કાને પડવા – નહીં, ચડવા લાગી! કાંકરીથી ગોપીની ગોરસી ફૂટતી હતી કે એનું હૈયું? કાંકરી માટે – એનો હળવો મીઠો આઘાત ઝીલવા માટે ગોરસી વધારે આતુર હતી કે ગોપી? સમજનારા બધું સમજે છે અને કાંકરીચાળો કરનારા તેથી જ બિનધાસ્ત કાંકરી ચલાવ્યે જાય છે! કાંકરી કનૈયો ચલાવે છે, ત્યારે વધારે રસિક વાત તો કનૈયાના મનની ચાલની હોય છે. કાંકરી એના મનના ઇશારે જ ચાલવામાં કદાચ પોતાને ધન્ય માનતી હશે! આ કાંકરી ઝીલવાનો આનંદ વરસાદની ફરફર ઝીલવા જેટલો જ હશે એમાં મને શંકા નથી.

જીવનમાં કાંકરી ને પથ્થર બેયને જોગવતાં ફાવવું જોઈએ! ક્યારેક છપ્પન પકવાનના થાળમાંયે કાંકરી આવીને નર્યા બેસ્વાદનો અનુભવ આપણને કરાવી દે છે! આંખમાં પડેલી કાંકરી તો દર્શનનો આનંદ જ હરી જાય છે, પણ એ રીતે કાંકરીથી હેરાન થવામાં જેટલી નથી એટલી વશેકાઈ આપણે કાંકરીને હેરાન કરીએ એમાં છે! કાંકરી આપણને શું પજવે? આપણે એને ન પજવીએ? પથ્થર ઠોકર મારે એટલે આપણે ડબ દઈને બેસી પડવાનું? પથ્થરનેય ફંગોળતાં આવડવું જોઈએ. પહાડ પથ્થરથી ડરે છે? તો આપણે પથ્થરથી શું કામ ડરીએ? પથ્થરનેય કહીએ કે તું ખોલ તારી છાતી અને એમાં રમતા રામને અમારી આગળ છતા કર!

શું કાંકરી કે શું પથ્થર – જિંદગીને રસ્તે એ તો આવ્યાં જ કરવાનાં! આપણે હળવા રહેવું, ફૂલના જેવા! ને ફૂલ જેમ પથ્થર પર ચડીને પોતાને સાર્થક કરે છે એમ આપણેય આપણી જાતને સાર્થક કરતાં શીખવું! ફૂલ પર પથ્થર ન પડે એની કાળજી રાખવી. બાકી ફૂલ ભલે પડે પથ્થર પર! એમાં તો પથ્થરનું દૈવત સૌને વરતાશે! આપણે તો કૃષ્ણની પાષાણપ્રતિમા આગળ ફૂલની જેમ માથું ઝુકાવી કહીશું: ‘હે કૃષ્ણ, અમને એવી કાંકરી માર કે અમારા અહંકારનો પથ્થર – ભૂલ્યો, ઘડો તડાક તૂટી જાય! પછી હું છું ને તું છે ને જમુનાનો કિનારો છે! જોઈ લેજે રંગ!’

(કાંકરીચાળો ને પથ્થરમારો, પૃ. ૪૧-૪૨)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.