૨૭. બ્રહ્મ – વાણીનું પરમ વ્યોમ

(ब्रह्मायं वाचः परम व्योम।)

અથર્વવેદના નવમા કાણ્ડના દસમા સુક્તમાં ઋષિ કેટલાક પ્રશ્નો રજૂ કરે છે, જેમાંનો એક આ છે: पृच्छामि वाचः परमं व्योम ।।૧૩।। વાણીના પરમ વ્યોમ — વ્યાપ્તિસ્થાન — વિશે હું પૂછું છું. તેના ઉત્તર રૂપે પછી આ વિધાન છે: ब्रह्मायं वाचा परमं व्योम ।।૧૪।। — બ્રહ્મ/બ્રહ્મા આ વાણીનું પરમ વ્યોમ — વ્યાપ્તિસ્થાન છે.

`બ્રહ્મ’ અથવા `બ્રહ્મા’ શબ્દના મૂળમાં બૃહત્-તાનો ભાવ રહેલો છે. બ્રહ્મતત્ત્વ એ જ બ્રહ્માંડવ્યાપી ચૈતન્ય. સર્વની અંદર રહેલું ને સર્વનીયે પારનું એ તત્ત્વ. દેશકાલાબાધિત. આ બ્રહ્મતત્ત્વમાં — બ્રાહ્મી ચેતનામાં જ વાણીનાં મૂળ અને વ્યાપ રહેલાં છે. વાક્ચેતના તે શબ્દમય બ્રાહ્મી ચેતના. તેનાં ચતુર્વિધ સ્વરૂપ પ્રસિદ્ધ છે: પરા, પશ્યંતી, મધ્યમા ને વૈખરી. વાણીની મૂળભૂત ભૂમિકા પરા વાણીની, જે તત્ત્વતઃ બ્રહ્મતત્ત્વની જ ભૂમિકા છે. એના જ અનિવાર્ય આવિષ્કારરૂપ વૈખરી. એ વૈખરી જ આપણા સાંસારિક પારસ્પરિક વ્યવહારમાં સૌથી વધુ ઉપયોગમાં આવતું માધ્યમ છે. ભલે આપણે વૈખરીમાં રમતા હોઈએ, પરંતુ આપણને પાકી ખબર હોવી જોઈએ કે વૈખરીનું સત્ત્વ-તત્ત્વ, એનું સામર્થ્ય-સાર્થક્ય તો એનું મૂળ પરા વાણીમાં હોવાની ઘટના પર નિર્ભર છે.

આ વાણી — શબ્દતત્ત્વ પંચમહાભૂતમાંના એક તત્ત્વ આકાશનો ગુણ મનાય છે. પરમાત્મચેતનાએ પ્રબળ સિસૃક્ષાથી પ્રેરાઈ શૂન્યમાંથી શબ્દનું સર્જન કર્યું. વેદો ચતુર્મુખ બ્રહ્માની સરજત મનાયા. એથી સ્વયં શબ્દ જ, એના શક્તિ-વ્યાપના કારણે, લોકોત્તર સર્જન — દૈવી સર્જન (कतु, कृति) ઠર્યો. વિલક્ષણ અર્થમાં શબ્દની — વેદની — અપૌરુષેયતા મનાઈ. જે ચેતનાશક્તિને શબ્દનો પ્રાદુર્ભાવ શક્ય બન્યો એ ચેતનાશક્તિની મનાઈ. જે ચેતનાશક્તિએ શબ્દનો પ્રાદુર્ભાવ શક્ય બન્યો એ ચેતનાશક્તિની વળી વળીને રસમય સાક્ષાત્કૃતિ — એ જ શબ્દનું ચરમ ને પરમ લક્ષ્ય બની રહ્યું. અમૂર્ત બ્રાહ્મી શક્તિ શબ્દ રૂપે — સાકાર થઈ આનંદલક્ષી અભિગમે જ્યારે લીલાવ્યાપારમાં પ્રત્યક્ષ અનુભૂતિનો વિષય બની ત્યારે તે આનંદધર્મી વાક્ચેતના, સારસ્વત ચેતના તરીકે નામાભિધાન પામી. આ વાક્ચેતના વ્યાપનશીલ શક્તિ છે. તે તેના સર્જક-ભાવકને કુંઠિત કરનારી નહીં પણ અંતરતમ મુક્તિ દેનારી શક્તિ છે. તે શબ્દકક્ષાએ શ્રુતિતત્ત્વ દ્વારા, તો અર્થકક્ષાએ વ્યંજનાતત્ત્વ દ્વારા વિસ્તરતી અસ્તિત્વની — જીવનતત્ત્વની અ-મૃતમયતાનો આહ્લાદક આસ્વાદ આપનારી બની રહે છે. સાચી સર્જનાત્મક વાણી આપણને આપણાં કેન્દ્ર અને પરિધ સુધી, આપણાં મૂળ અને વ્યાપ સુધી પહોંચાડવા ને વિસ્તારવા ક્રિયાન્વિત હોય છે. એ કલા-ક્રિયામાં જ ભાવસૌન્દર્યનો અનિર્વચનીય આસ્વાદ-આનંદ મળી રહે છે. વાણી જે બ્રાહ્મી ભૂમિકામાંથી પ્રભવી તે ભૂમિકામાં જ તેનું પરિણમન થાય એમાં જ એનાં સામર્થ્ય ને સાર્થક્ય રહેલાં જણાય છે. શબ્દ વ્યષ્ટિ-મનમાંથી પ્રગટી તેના સર્જક બ્રહ્માના મનમાં — વિશ્વમનમાં — વ્યોમમાં વિસ્તરે તેમાં જ તેનો સાચો પરિપાક — ઇષ્ટ સાફલ્ય છે. આપણે વાણી દ્વારા એ સાફલ્ય સુધી પહોંચવાનો આહ્લાદક પુરુષાર્થ કરતાં રહીએ.

(વાણીનું સત, વાણીની શક્તિ, પૃ. ૧૯-૨૧)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.