૨૪. મારું અમદાવાદ

હથેળીમાં મૂકી જોઉં અમદાવાદ!
લખોટીથી તાકી જોઉં અમદાવાદ!
અમદાવાદના ટુકડા ભરી જોયા કરું કૅલિડોસ્કોપમાં
અમદાવાદને ફૂંકી જોઉં મિલની ચીમની જેવી સિગારેટથી.
અમદાવાદને હોળી જોઉં ને ગૂંચ કાઢી ફેંકી દઉં સાબરમાં.
અમદાવાદને ગજવે ઘાલી લઈ જઉં હૅવમૉરમાં
ને બતાવું ઝગમગ જુગનુ જેવું કંઈક અંધારામાં.
અમદાવાદને કમ્પોઝ કરું છાપાંમાં
ને વેચી દઉં પસ્તીમાં – માણેકચોકમાં.
અમદાવાદને જોઉં સીદી સઈદની જાળીમાંથી.
અમદાવાદને સાંભળું વેપારી મહામંડળના અધિવેશનમાં.

અમદાવાદ નાનું છે – નાની-શી નારના નાકના મોતી જેવું!
અમદાવાદ મોટું છે – શેરબજારના શેઠજીની ફાંદ જેવું!

અમદાવાદ નમતું છે – વાણિયાની મૂછ જેવું!
અમદાવાદ અણનમ છે – વેપારીની આંટ જેવું!
અમદાવાદ ગલી છે સાંકડી શેરીની.
અમદાવાદ વિશાળ છે – સાબરથી સમુદ્ર સુધી.
અમદાવાદ ને અહમદશાહ :
અહમદશાહ ને હું :
હું ને અમદાવાદ :
હું ગાદી પર, અમદાવાદ માણેકનાથની સાદડી પર!
હું ધોતી, અમદાવાદ પાઘડી!
અમદાવાદ હસે, રડે, ઊંઘે, જાગે, થંભે, ભાગે
ને ત્યારેય અમદાવાદ મારા પગલામાં, મારા ગજવામાં,
મારી આંખમાં, મારા શબ્દોમાં.
અમદાવાદ મારા હાથ જેટલું લાંબું,
મારી છાતી જેટલું પહોળું,
મારી ચાલ જેટલું ઝડપી,
મારા શ્વાસ જેટલું પાસે,
ને મારા મન જેટલું મારું!

(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૭૬)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.