૧૧. નંદનું દર્શન : અનિષ્ટ – ઇષ્ટ

કશું જ સૂઝતું નથી ને તેથી બેસી રહેવું પડે છે. ચારેય બાજુના રસ્તા જડબેસલાક બંધ થઈ ગયા છે. એક પ્રકારનો મૂંઝારો થાય છે. જે આજ સુધી જોયું છે તે બીજી રીતે જોયું હોત તો? – એવી લાગણી થાય છે. માણસના ચહેરાને ગુલાબ કે કમળ કે ચંદ્ર સાથે સરખાવ્યાથી જે આનંદ થતો હતો તે આજે હવે થતો નથી. માણસના ચહેરાને બીજી રીતે જોવાની તાતી જરૂર ઊભી થઈ છે. એ ચહેરામાં શું દેખાય છે? એમાં કશુંક એવું ભળી ગયું છે, જે જોવું ગમતું નથી. એ એવું તત્ત્વ છે જે વેર કરે છે, જે દંભ કરે છે, જે પશુતા આચરે છે, લોહી વહેવડાવે છે. માણસના ચહેરામાં આ તત્ત્વ જોવાની ઇચ્છા કે અપેક્ષા નહોતી; પણ એ જોવું પડે છે અને એની વેદનાનો ભાર એવો છે કે એનું વહન કરતાં ઊંડી અમૂંઝણ થાય છે; ચારે બાજુનો અવકાશ રૂંધાતો – સંકોચાતો લાગે છે. આજ સુધી જે રસ્તે ચાલ્યા તે ખરેખર યોગ્ય હતો? – એ રસ્તો સાચો હતો? – આશંકા થાય છે, ને આશંકા મારી ઊંઘ હરી લે છે. જાગવું ગમતું નથી ને ઊંઘ આવતી નથી. કશુંક એવું મારામાં ભળી ગયું છે જે ન હોત તો હું પરમ સુખી હોત, અત્યંત પ્રસન્ન હોત. પણ એ અનિષ્ટને હું મારામાંથી કાઢી શક્યો નથી. મારી ઇન્દ્રિયો ઇષ્ટને જ સ્વીકારે ને તે સાથે અનિષ્ટને ઇનકારે એવી બનાવી શકતો નથી. આંખથી જો જોઈ શકું છું તો પ્રકાશ જ જોવા મળે છે એવું નથી, મારે અંધકાર પણ જોવો પડે છે ને એની તો મને વેદના છે.

અવારનવાર મને થાય છે; આપણા રોજના જીવનમાં કેટકેટલી વાતો મિથ્યા છે! કેટકેટલું મિથ્યાચરણ આપણે કરીએ છીએ! આપણે કેટલા બધા ભ્રમગ્રસ્ત (ભયગ્રસ્ત પણ) હોઈએ છીએ! લાગણીના નશામાં કેટકેટલું છે એમ માની લઈને ચાલીએ છીએ! કલ્પનાની હવા ભરી ભરીને કેટકેટલાં ઉડ્ડયન કરીએ છીએ! ને એવાં ઉડ્ડયન કરીને પામીએ છીએ શું? વિચારોનું ગણિત માંડી કેટકેટલા દાખલા ગણીએ છીએ ને છેવટે જે જવાબ લાગે છે તે એવો હોય છે કે તાળો મળતો નથી અને વિચારોનું ગણિત ગણ્યાનો બધો પ્રયત્ન નિરર્થક લાગે છે! આના કરતાં તો કશું જ ન થયું હોત, મેં કશું જ ન કર્યું હોત તો સારું હતું; પરંતુ કશું અટકાવવું, કશું કરવું કે ન કરવું એ મારા હાથની વાત નથી. હું મારી આ વિચિત્ર પરિસ્થિતિથી થાકી જાઉં છું… આના કરતાં મને કશું જ થયું ન હોત…હું પથ્થર જેવો જડ જ હોત… પણ મેં કહ્યું ને આ મારા હાથની વાત નથી…ભાષા દ્વારા પણ હું મને જે કંઈ થાય છે એ વ્યક્ત કરી શકું એ પણ ખરું પૂછો તો મારા હાથની વાત નથી. તમે સમજી ગયા હશો આ મારી મનઃસ્થિતિ! આ મન: સ્થિતિએ મને બેચેન કરી મૂક્યો છે. હું મને ચેનમાં લાવી શકતો નથી. હું કોઈને પ્રેમ કરી શકતો નથી, હું કોઈનો ધિક્કાર કરી શકતો નથી. એક અરીસો, જે મારું પ્રતિબિંબ પાડી મને મારો સાક્ષાત્કાર (?) કરાવવાનો પ્રયત્ન કરતો હતો તે અરીસો શતધા વિશીર્ણ થઈ ગયો છે. જે જાળમાં રહીને હું મને સલામત માનતો હતો એ જાળનો જ એક તંતુ કોક કૃપણે તોડ્યો છે. કોકે મને બાંધનારી અનેક ગાંઠોમાંની એક ગાંઠ જરા ઢીલી કરી છે ને ત્યારથી મારી અનેકાનેક મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ છે. પત્નીને; પુત્ર, પુત્રી, માતા, પિતા, ભાઈભાંડુઓ, મિત્રો – આ બધાંને આજ સુધી જે રીતે હું જોતો હતો એ રીતે હવે હું જોઈ શકીશ? જે પડદો વાસ્તવિકતાને આચ્છાદી દઈને એક રમણીય રૂપ પ્રગટ કરતો હતો એ પડદામાં ક્યાંક ચીરો પડ્યો છે. એ ચીરામાંથી જે જોવાની મારી જરાય તૈયારી નહોતી એ મને દેખાઈ રહ્યું છે ને એ હું સહી શકતો નથી.

શું આ નંદ? – જે ફૂલોની વાતો કરતો હતો, જે સૂર્યોદય ને સૂર્યાસ્તના રંગોની વાતો કરતો હતો તે આ નંદ? એ મુઠ્ઠીભર અનાજ માટે બજારમાં વેચાવા ઊભો રહ્યો છે. એ અઢળક ફૂલોના રંગીન સ્વાગત તરફ મુખ પણ ફેરવવા તૈયાર નથી. આ નંદ, જે પોતાની એક ફૂટ જગા માટે યાદવાસ્થળીનું જોખમ ખેડવા તૈયાર થયો છે? નંદ સારો હતો, સજ્જન હતો, સૌન્દર્યનો પ્રશંસક ને પૂજારી હતો, સંસ્કૃતિપુરુષ હતો – એ બધું હતો; પણ એ ક્યાં સુધી? નંદનો રંગમહેલ જે ધરતી પર હતો એ ધરતીની કઠોરતા હવે નંદને ભારે વેદના કરે છે. આવી વેદના નંદને થાય છે એનું કારણ પણ નંદનું અજ્ઞાન, નંદની ઊર્મિલતા યા અસ્વસ્થતા છે. નંદ હવે સમજી ગયો છે કે આ પરિસ્થિતિમાંથી ઉગારો નથી. એમાં તો માત્ર કોઈ પણ રીતે સહન કરવાનું જ રહે છે. એ જ વાસ્તવિક સત્ય છે.

જ્યાં સુધી હું ‘હું’ છું, નંદ છું ત્યાં સુધી કંઈક તો સહન કરવાનું છે. અનિષ્ટ જ સહન કરવાનું છે એમ નહીં, ઇષ્ટને પણ સહન કરવાનું છે. ઇષ્ટની બાબતમાં પણ સહન કરવાપણું હોય છે એ લખવું સહેલું છે, પણ એ જ્યારે અનુભવે સમજાશે ત્યારે મારો – મારામાંના નંદનો નૂતન અવતાર હશે એમ મને લાગે છે. આજે તો એની કેવળ પ્રતીક્ષા કરવાનું પ્રાપ્ત થયું છે ને એ પણ ઇષ્ટ છે? ઇષ્ટ છે કે અનિષ્ટ? ઉત્તર જો એમ સ્પષ્ટ જ હોત તો આ બધું ચીતરવાની ચેષ્ટાય કરત કે?

(નંદ સામવેદી, પૃ. ૮૩-૮૪)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.