૧૩. બેસ, બેસ, દેડકી!

બેસ, બેસ, દેડકી!
ગાવું હોય તો ગા,
ને ખાવું હોય તો ખા;
નહીં તો જા…
મારે પાંચ શેર કામ
ને અધમણ આરામ બાકી છે.

તું તો બોલ્યા કરે,
ને આકાશ પેટમાં ફુલાવ્યા કરે!…
મારે તો સાત લાખ સપનાં
ને વીસ લાખ વાસના બાકી છે.

તું તારે ડોલ્યા કર,
ને ગળ્યા કર જીવડાં…
મારે તો અનંત ગાઉનાં મરવાં
ને અનંત ગાઉનાં જનમવાં બાકી છે.

બેસ, બેસ, દેડકી! મૂગી!
ખા તારે ખાવું હોય તો,
નહીંતર ભાગ અહીંથી કૂદતી કૂદતી!…
મારે તો સાત પગથિયાં ઊતરવાં
ને સાત પગથિયાં ચઢવાં બાકી છે.
દેડકી! ડાહી થા,
મળે તે ખા,
સૂઝે તે ગા
ને નહીંતર જા… પાવલો પા…

(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧૨૫)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.