૩૨. ખિસ્સે ખાલી, ભપકો ભારી

ખિસ્સું ભરેલું હોય ને કોઈ ભપકો બતાવે એ એક વાત છે અને ખિસ્સું ખાલી હોય ને કોઈ ભપકો બતાવે એ બીજી વાત છે. મૂળેય જમીન ફળદ્રુપ હોય ને તેમાંથી તમે મબલખ ફસલ નિપજાવો એમાં શું નવાઈ? જમીન સાવ ઉજ્જડ હોય ને તેમાંથી તમે એવી ફસલ નિપજાવો તો નવાઈ લાગે. પોલું હોય એ તો વાગે જ ને? પણ સાંબેલું હોય ને એ જો વાગે તો કારીગરી કહેવાય! ખિસ્સામાં કોડી ન હોય છતાંયે ઊભી બજારે મસ્તીમાં મહાલવામાં વસેકાઈ છે.

અમારા એક મિત્રની હાલત આમ તો ઘરમાં હાંલ્લાં કુસ્તી કરે એવી છે; પરંતુ બહાર નીકળે ત્યારે તેઓ જાણે બાર લાખ છપ્પન હજારના આસામી હોય એવો ભપકો રાખે! આમ તો સાઇકલ ચલાવવાના વાખા, પરંતુ કોક ધન્ય ઘડીએ, ડ્રાઇવર-બ્રાઇવર બીડીના કારણે મિત્ર થયા હોય તે નાતે – ’બીડીમિત્ર’ના નાતે કોઈ શેઠ–સોદાગરની ખાલી મોટરમાં લિફ્ટ મળે ત્યારે તમે એમનો ઠસ્સો જોયા જ કરો! જાણે એ મોટર એમને વારસામાં મળી હોય એવા રોફરુઆબથી એ એમાં બેસે ને આસપાસનાં જાણે પગની પેંજાર હોય એમ નિહાળે! કોઈક વાર કોઈની વગસગે એ લક્ઝરીમાં મફતના ભાવે બિરાજમાન હોય તો ત્યાં પણ એમની છાકછટા તમને એવી લાગે કે પાંચ-છ લાખની એ લક્ઝરીના અસલી માલિક જાણે પોતે જ હોય! આસપાસનાં સૌ બેઠેલાંને જાણે એમણે જ વગર ટિકિટ બેસવા દીધાં હોય એવો એમનો દેખાવ વરતાય. કોઈ વાર તો લક્ઝરીના ડ્રાઇવર-કંડક્ટરને એ બહુ આસાનીથી ચા-ભજિયાં પણ પહોંચાડી દે ને દરમિયાન હોટલવાળાનું બિલ જે કોઈ પડખે ચડી ગયું હોય એની પાસે અપાવે – કોઈ બાદરાયણ-સંબંધ યાદ કરાવીને. જેમ સારાં બાળકોને મોંમાં અંગૂઠો કે આંગળી નાખવાની કટેવ હોતી નથી તેમ આપણા આ મિત્રનેય પોતાના ખિસ્સામાં હાથ નાખવાની કટેવ નહીં! હા, બીજાઓના ખિસ્સામાં હાથ નખાવવાની ટેવ પાકી! બાપડો ભલોભોળો ખિસ્સાકાતરુ કોઈનું ખિસ્સું કાપવાનો કાળો ગુનો કરીને એ ખાલી કરે, જ્યારે આપણા આ મિત્ર બીજાનું ખિસ્સું લીલયા ખાલી કરાવી શકતા.

કેટલાક સંકુચિત લોકોમાં મારા-તારાના – પોતીકાં-પરાયાંના ક્ષુલ્લક ભેદો હોય છે. આપણા આ મિત્ર તો ‘જય જગત’વાળાઓથીયે ચડિયાતા. પરાયાપણાનો ભાવ જરાયે નહીં! પરધન ને પરસ્ત્રીના ભેદભાવમાં માનતા જ નહીં! તેથી સૌનું તે પોતાનું, એમ માનીને જ ચાલનાર. એ તો કહેતા: આપ મૂએ ફિર ડૂબ ગઈ દુનિયા. બધું અહીંનું અહીં મેલીને જવાનું છે. એક કાંકરીયે મરનાર જોડે લઈ જઈ શકતો નથી; તો નકામો મારા-તારાનો ભેદભાવ ને મોહમાયા શાં? ‘તારું એ મારું ને મારું તે તારું’ – એવું અહીં હોવું જોઈએ. ને એમની આ માન્યતા પ્રમાણે થાય તો પછી અમીરોની અમીરાઈમાં એમનો ભાગ રહે અને એમની મુફલિસીમાં અમીરો વગેરેનો ભાગ રહે. પોતાની પાસે ગરીબી સિવાય ખાસ કંઈ વહેંચવાનું હતું નહીં, માટે જ એ ઊછળી ઊછળીને વહેંચીને ખાવાની, ત્યાગીને ભોગવવાની વાતો કરતા રહેતા હતા.

તેઓ દેખીતી રીતે જ પરિગ્રહ કરી શકે એવી સ્થિતિમાં નહોતા. ઘરમાં કશું આવે, હોય તો સંઘરે ને? પૂરી ત્રણ જોડ કપડાંયે નહીં, તેથી તો પડોશના ધોબીને જીગરજાન દોસ્ત બનાવેલો. ત્રણ જોડ કપડાં છતાં તેત્રીસ જોડ કપડાં હોય એવી ઠાઠ એ રાખતા. સામાન્ય રીતે બર્થ-ડે-પાર્ટી — લગ્ન જેવા અવસરો દોસ્તોના ઉછીના સૂટબૂટે સહેલાઈથી પસાર થતા. અરે શિયાળાના ઠંડા દહાડા પણ પારકાનાં સ્વેટરોએ ને ચોમાસાના ભીના દહાડા પારકાની છત્રીઓની મદદે કેમ પસાર કરવા એની એમનામાં આવડત હતી.

તમે જો કોઈ સુંદર ઘડિયાળ ખરીદ્યું તો પંદર-દહાડા કે મહિનો તો એ ઘડિયાળને તેઓ જ પાલક પિતાની રીતે પોતાના હાથે ફેરવતા! તમે પડખે ન હો તો પોતે ખરીદ્યાની અથવા વિદેશથી મિત્રે ભેટ મોકલ્યાની મોભાદાર વાતો વહેતી મૂકતા! જાણકારો અવારનવાર કહેતા કે એમના ઘરમાં, સિવાય કે એમની જાત, બાકીમાંથી એમનું કહેવાય એવું જવલ્લે જ તમને મળે. એમના ઘરમાં ટેબલ પર મૂકેલી ફૂલદાની તેય પારકાની, ઘેર ટ્રાયલ માટે જ રાખેલી હોય, પણ એમાંનાં ફૂલોયે કોઈ પાડોશીની પૂજાનાં હોય! તમે કહેશો કે કપડાંનાં ટ્રાયલ હોય પણ ફૂલદાનીનોયે ટ્રાયલ? તે કેમ ન હોય? ઘરમાં એ ફૂલદાની સારી લાગતી હોય તો ખરીદાય ને? એવી અનેક વસ્તુઓ તેઓ આ કે તે દુકાનેથી પાંચ-સાત દહાડાના ટ્રાયલે લાવી પછી દિલગીરી સાથે પાછી મોકલતા! કોઈ વાર કોઈએ એમને આપેલી – કહો કે ધીરેલી – ચીજવસ્તુ પાછી મગાવવાની ભૂલી જાય તો પછી તેઓ એને આજીવન રાખવાની ખેલદિલી દાખવતા! તમે જો ભૂલથીયે બોલો કે ‘આ ચીજ ભૂલથી બેવડાઈ ગઈ’ તો તેઓ તરત તમારી વહારે ધાય ને તમને એ પરિતાપમાંથી ઉગારી લેવાના ઊંચા આદર્શે એ બેવડાયેલી વસ્તુ તબિયતથી પોતાના ઘરે લઈ જાય. અલબત્ત, તમારે પછી એ ગયેલી વસ્તુ બાકીની કિંમત વસૂલ કરવાનો કે પછી એ વસ્તુ પાછી મગાવી લેવાનો પાપી વિચાર તો મનમાં ફરકવા જ દેવાનો નહીં. એમણે કોને નાણાં આપ્યા તે તમને આપે? એમની યાદદાસ્ત ટુ-વે-ટ્રાફિકવાળી નથી. એમને લેણું જ યાદ રહે છે, દેણું યાદ રહેતું નથી. એમને ખાવાનું યાદ રહે છે, ખાવાનું બિલ ચૂકવવાનું યાદ રહેતું નથી.

કોઈ સરસ વસ્તુ જો તમારે ત્યાં રસોડામાં થાય તો એનાં એ મોંફાટ વખાણ કરે. એ વખાણ કરતાં એ વસ્તુ બનાવનાર તમારાં ઘરવાળાંનાંયે મુશળધાર વખાણ કરે. તમારાં ઘરવાળાં એથી એમને મોહનથાળનું એક ચકતું જ ચખાડવા દાખલ આપવાને બદલે ચાર ચાર ચકતાં આપે! એય એમના ઉદાર ઉદરમાં ક્યાંય સમાઈ જાય. પછી એ જ કહેઃ ભાભી, આનો તો સ્વાદ રહી ગયો હોં! રાતેય બેપાંચ ખાધા વિના ઊંઘ નહીં આવે!’ અને ક્ષણ પહેલાં જ એમની પુષ્પિત વાણીથી અભૂતપૂર્વ ખીલેલાં ભાભી ઉત્સાહથી દસેક ચકતાં સ્ટીલના ડબરામાં ભરી એમને આપે. પછી આજની ઘડી ને કાળનો દિવસ. ‘મૂળગા મારા તાંદુલ ગયા’નો ઘાટ થાય. ચકતાં તો આવવાનાં નહોતાં જ, સાથે ડબ્બોયે ન આવે! કોણ જાણે એમની એવી તો કેવી મોહિની હોય છે કે જે વસ્તુ એમની પાસે જાય છે એ વિના અવઢવ એમની જ થઈને પછી અદૃશ્ય થઈ જાય છે! ને તેમ છતાં એ કારણે તેઓ અદૃશ્ય થતા નથી! બીજી દિવાળીએ નવા-તાજા મોહનથાળનો નવો ડબ્બો પામવા તેઓ શ્રીમાન સોત્સાહ સદેહે હાજરાહજૂર હોય છે. એ ભલે ખાલી હાથ આવે પણ તમે એમને ખાલી હાથે પાછા વાળી ન શકો – રામ રામ કરો.

તેઓ સાચે જ રત્ન છે. નકલી તોયે રત્ન! સાચું રત્ન ચીંથરે વીંટ્યું હોય તો તે રત્ન નહીં કાચનો ટુકડો લાગે. તો બીજી બાજુ સુંદર રીતે – સાજસજાવટ સાથે પ્રદર્શિત (ડિસ્પ્લે) કર્યો હોય તો કાચનો ટુકડોયે રત્ન લાગે! લોકો હોંશે હોંશે એને જ વાંછે. અમારા મિત્રનું એવું છે. એ ભલે ખોટો રૂપિયો હોય પણ અત્યારે તો ચલણમાં એ જ સૌથી વધારે છે. માનસન્માન પણ એમનાં જ અદકેરાં છે. એ નકલી રત્ને કંઈક અસલી રત્નોને ચીંથરામાં જ બાંધેલાં રખાવ્યાં છે, ને તેઓ તો તાજપોશીનું માન પામી ચોતરફ પોતાની હકૂમત ફેલાવીને ઝગમગે છે. ઊજળું એટલું દૂધ નહીં એ ન્યાયે ઝગમગે એટલું સોનું નહીં એ વાત સાચી, પણ એ સાચા સોનાને શું કરવાનું, જે પોતે ઝગમગી જ ન શકે?

(હળવી કલમનાં ફૂલ, પૃ. ૨૮-૩૧)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.