૮૯. ‘ચાલો બાપુ! આપણે જઈએ…’

આમ તો મને ખબર જ ન પડત એ આદમીની!
એ તો અહીં આવ્યો હતો
સ્વસ્થ ને સુદૃઢ પગલે,
જરાયે પદરવ ન થાય એ રીતે.
એણે જગા લીધી છેક છેવાડાની
કોઈનેય ખલેલ ન પહોંચે એ ખ્યાલે,
કોઈનુંય સ્વમાન નંદવાય નહીં એ રીતે.
એણે હળવેકથી ઊઠી
આસપાસમાં સડતો કૂડો-કચરો ઉપાડી,
બધું સાફસૂફ કરી,
ઉકરડામાં ઉગાડી દીધાં ગુલાબ!
એણે જ ચાહીને પેલી આંધળી ડોસીને
પાર કરાવ્યો રસ્તો
પોતાની લાકડીના ટેકે ટેકે.
અંધારામાં કોઈ આથડે નહીં એ માટે જ.
દીવો થઈને એ ખડો રહ્યો
આખીયે રાત
આંધળી ગલીના નાકે.

કબીરની વણકરીથી
આખાયે ભારતની એબ ઢાંકવા
એણે જ ચરખાના ચક્રે ઘૂમવા માંડ્યું
આ ઘેર, પેલે ઘેર,
આ ગામ, પેલે ગામ.

એણે જ વળી વળીને ભીનાશથી ધૂંધળા થતા
ચશ્માંના કાચ લૂછતાં લૂછતાં,
સૌને ચીંધ્યા કર્યો
ક્ષિતિજની પેલે પારનો
ઊગવા કરતો સૂરજ.

દાંડીથી નોઆખલી સુધી
પોતાના વત્સલ પડછાયાને વિસ્તારનાર
આ આદમી ખરેખર કોણ?
– એ મનોમન હું વિમાસતો હતો ત્યારે જ
એક ખીલતા ફૂલ જેવા બાળકે
એ આદમીની લાકડીનો છેડો પકડી લઈને કહ્યું :
‘ચાલો, બાપુ! આપણે જઈએ…
પેલા સૂરજદાદા કને!’

૩૦-૧-૨૦૦૦

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૮૮)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.