૭૨. અંદર એવાં મળ્યાં…

અંદર એવાં મળ્યાં,
આપણે મધરું મધરું ગળ્યાં! –

ખીણ–ખડક ના કશુંય આડે,
ડુંગર તે સૌ દળ્યા!
આઘેનાં તે ઓરાં આવી
ભીતર મારે ભળ્યાં!
ઝરમર ઝરમર ઝમતા કેવા
જીવ મળ્યા – ઝળહળ્યા! –

રગે રગે શગ રચે આરતી,
આંખે યમુના છલ્યાં!
શ્વાસે શ્વાસે બજે બાંસુરી,
અંતરમાં વ્રજ વળ્યાં!
ઘટમાં ગોરસ એવાં ઊભર્યાં!
ફોડનારને ફળ્યાં!

(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૮૦)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.