હું તો કેમ રે તેડાવું
ને કેમ રે પધરાવું ઝળહળ જ્યોતને
માટીના મારા કોડિયે?
મારું કોડિયું રે બરડ,
એમાં કેટલીયે તરડ?!
એની વાટમાં ના મરડ,
ટીપું તેલની ના સવડ :
તણખો ઊઠે તોયે કિયે ઠામે ઠરે?
હું કેમ રે પેટાવું ઝળહળ જ્યોતને
માટીના કાચા કોડિયે?
ચોગમ હવામાં છે ઠાર,
માથે વાદળાંના ભાર,
વાતો વાયરે અંધાર,
ખૂંચે આંખે ઝીણો ખાર,
કોડિયું રાખવું ક્યાં આંધળા આ ઘરે?
હું કેમ રે બેસાડું ઝળહળ જ્યોતને
માટીના કોરા કોડિયે?
(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૧)