દીવો જ ઠારી દઈએ!
આંખો જ મીંચી દઈએ!
જેના દર્શને આપણે આવ્યા,
ક્યાં છે એ?
આપણા અરીસામાંયે આવવા
ક્યાં છે કોઈ તૈયાર?
સૂર્યગ્રહણની ઘટના બાદ
ઘુવડની દોસ્તી બરોબર સદી છે;
અંધકાર જ એના માટે ઠીક છે.
એને નાપસંદ છે આ આરતી-ફારતીનાં –
દીવા-ફીવાનાં તૂત!
હવે તો ફૂંક મારી બુઝાવી દઈએ દીવો.
નાહકનો જે જલ્યા કરે છે
માર્ગદર્શક થવાના ખ્યાલે!
ભલે પછી રહી જાય ધૂમ્રસેર,
ભલે ગૂંગળાય શ્વાસ ને અંદરનો અવકાશ,
ભલે ઠરી જવાનું થાય બંધ પેટીમાં :
જેને અહીં આવવું નથી,
જરાયે ચાલવું કે ચમકવું નથી,
જેને આપણા તરફ નજર કરવાની નવરાશ નથી,
– સમજોને કે આંખ નથી;
એને દીવો ધરીને શું કરીશું?
(‘શગે એક ઝળહળીએ’, ૧૯૯૯, પૃ. ૪૩)