૩૫. વાંધો નથી, ગવાશે

હજુયે હાલે છે આ ડાળ લીલાં પાન પહેરીને;
વાંધો નથી, ઝુલાશે.
હજુયે ટહુકો તાજી કરે છે ઓળખાણ આકાશની;
વાંધો નથી, ગવાશે.
સમય તો સોના-સાંકળીએ બાંધ્યો આ ખિસ્સામાં જ છે;
રસ્તાના અણધાર્યા વળાંકોય છે હજુ નહીં પડેલી મારી પગલીમાં;
હવાય વેરાવા દે છે સુગંધોને એમની રીતે;
ને તેથી ઉઘાડી બારીએ ફરવું ગમશે અંદર-બહાર.
ડુંગરાઓની ભાષામાંનો પડકાર મને સમજાય છે;
દરિયાના ખડક વિશેના ખ્યાલોય કંઈક પમાય છે;
બે હાથથી જે બંધાય છે તે જ ચરણોથી એમ જ છૂટી જાય છે;
ને તેથી જ પહોંચી શકાશે અહીંથી પણે કોઈ દોર વિના.
મનને જોઈને જ શબ્દો વધુ ને વધુ ઊંચકાય છે કવિતામાં,
ને એકાંતને જોઈને જ વાદળ વધુ ને વધુ ગોરંભાય છે મૌનમાં.
મધપૂડો હજુય દૂઝ્યા કરે છે ઊંડે ઊંડે
ને તેથી જ ફૂલોના ડંખ હજી જીરવાશે
ને પડઘાની પેલે પાર નીકળી શકાશે હસતાં હસતાં…

(પડઘાની પેલે પાર, ૧૯૮૭, પૃ. ૭૮)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.