શાંતિ…
એક ચીસનું પથરાઈ જવું મ્લાન ઉજાશમાં,
એક વેદનાનું સ્તબ્ધ થઈ જવું આંગળીઓમાં,
એષણાઓનો કોઈ અવાજ નથી…
શાંતિ…
ભારેખમ થતા જાય છે કાન,
ભાર લાગ્યા કરે છે અસ્તિત્વનો,
પ્રત્યેક ક્ષણથી સમયની વધતી જાય છે ખડકતા,
એક સુકુમાર સ્વપ્ને મોકૂફ રાખ્યું છે ફૂટવાનું,
પણ એની મોકૂફીનો કોઈ અવાજ નથી…
શાંતિ…
અનરાધાર હેલી વચ્ચેય કોરીકટ જમીન!
આંખોમાંથી શું ટપક્યું?
આંસુ?
મૃગજલ?
કે અભાવ ઉભયનો?
નીરન્ધ્ર નિરુત્તરતા.
પગલાં ને પંથ વચ્ચે સંવાદ નથી!
સૂરજ જેવો સૂરજ પણ ડૂબી જાય છે આંખમાં
ને કમલ-હથેલીઓ તો સાવ નિષ્કંપ!
લોહીમાં શ્વાસે શ્વાસે તરડાતો જાય તડકો,
ને તેનોય અવાજ નહીં!…
શાંતિ… …
શાંતિ?… … …
(પડઘાની પેલે પાર, ૧૯૮૭, પૃ. ૪૧)