૩. સ્થિર ક્ષણની ખોજ

મને ક્યારેક થાય છે કે મારા આ શરીરના યંત્રને એક ક્ષણ અટકાવી દઉં અને એ ક્ષણની સ્થિરતા દરમિયાન મારી ચારેય બાજુ અનિરુદ્ધ ગતિએ જે કંઈ ચાલે છે એનો અનુભવ કરી લઉં. એક ક્ષણ હું મારી બહાર નીકળી મારું નખશિખ દર્શન કરી લઉં. એક ક્ષણ તમારી આંખે મને જોઈ લઉં, તમારા કાને મને સાંભળી લઉં, હું ‘હું’ રહી વસ્તુરૂપે મને અનુભવી રહું. પણ…પણ એ કેમ થાય?

રાત્રે હું શય્યામાં પડ્યો હોઉં છું ત્યારે આંખ મીંચી, શ્વાસ રોકી મારી સરકતી ક્ષણોમાંથી કોકને હું કોઈ ગલ નાખી માછલી પકડે તેમ પકડવા મથું છું. આ હાથમાં આવી… આવી ને ત્યાં તો એ સરી જાય છે…સાથે જાણે હુંયે કોઈ ચીકણી લીસી શિલા પરથી સરું છું… મારા હાથ-પગથી હું મને રોકી શકતો નથી… મારી નજરને હું સ્થિર કરી શકતો નથી…કોઈ અતલ ઊંડાણ તરફ હું ધસી રહું છું. કોઈ લાકડું જલના ધસમસતા વહેણમાં ઘસડાય એમ ઘસડાઉં છું… મારા વિચારો, મારી લાગણીઓ, મારી કલ્પનાઓ બધું આ અપ્રતિરોધ્ય વેગથી ફંગોળાય છે. કોઈ નિહારિકાનું ધૂંધળું વાદળ મારી ચારે બાજુ રચાય છે અને ચહેરાનું કોઈ બિંબ ઊપસતું નથી. હું મારી કલમની ટાંક કાગળ પર ભોંકીને એક ક્ષણ-ક્ષણાર્ધ અટકી જવા પ્રયત્ન કરું છું અને…પ્રયત્ન કરું છું…

હું મારા પોતાનાથી આ ખંડના એકાંતમાં જે ખલેલ પડે છે તે અટકાવવા માગું છું. મારા શરીરને હું છેક ઢબૂરી દેવા – થિજાવી દેવા ચાહું છું અને એ હું જોવા-અનુભવવા પણ ઇચ્છું છું. બહારથી બારણા પર અથડાતી ચાંદનીનો અવાજ મને સંભળાય, ખંડના એકાંતમાં તરતા અંધકારની કંપનરેખાઓ હું જોઈ શકું, દૂર દૂરના આકાશમાંથી વહી આવતી કોઈ સૂક્ષ્મ લહેરીઓથી રોમ રોમમાં વિસ્તરતાં વૈશ્વિક સ્પર્શનાં આંદોલનો હું કળી શકું, આ સતત ઘૂમતી પૃથ્વીના વેગની ઝપટ મારા શ્વાસે શ્વાસે પકડી શકું અને મારી આરપાર ગતિ કરતા ચેતનાના અદૃશ્ય હિલોળમાંથી મારા અસ્તિત્વનું કોઈ નિગૂઢ રૂપ હું પામી શકું તો કદાચ જીવવાની રીતે જીવવાની અને સાથે મરવાની મારી શક્તિનેય હું લીલાભાવે માણી શકું.

ચારે બાજુ ગતિ છે, ઘમસાણ છે. ખરતાં પાંદડાં અને નવાં ફૂટતાં પાંદડાંનો અવાજ, રસ્તા પરનાં પગલાં અને પડછાયાઓનો અવાજ, બંધ થતી ને ઊઘડતી બારીઓનો અવાજ, પોપચાં તળે ઝબક ઝબક થતા તેજનો અવાજ, રાતા હોઠ પર મલકતા મૌનનો અવાજ, સિગારની ધૂમ્રરેખાઓમાં ઊડતા વિચારોનો અવાજ, પ્રતીક્ષા કરતા હૃદયના દ્વારે વળી વળીને ભટકાતા ભૂતકાળનો અવાજ, બાળકની મુઠ્ઠીમાંથી ખરતી ચમકતી રેતમાં ફરકતાં ભાવિ સ્વપ્નોનો અવાજ, આ સૌ અવાજોના પડઘાઓને કાપતો — જોડતો મારી ભીતર ઊભરાતી ધૂસરતામાં ખદ્યોતની જેમ ઝબક ઝબક કરતો મારો અવાજ ને આ બધા અવાજોને તોડતોફોડતો, ઉપરતળે કરતો આસમાની ઉદાસીને વિષમતાના વિકૃત ચહેરાની કર્કશતાથી ભીંસતો, ચક્રોના ધૂમ્રલિસોટાઓનો અવાજ – આ બધા અવાજોના ચિત્રવિચિત્ર આકારોની સંકુલતામાં અટવાતી મારી નજરનું બાવરાપણું, મારી વાણીનો મૂંઝારો, મારા હાથની કિંકર્તવ્યમૂઢતા, મારા ચરણોની દિઙ્‌મૂઢતા, મારી ભીતર આળસનાં જાળાં વણતી મનની ઊર્ણનાભવૃત્તિ – આ બધાંનું કોઈ અજબ વિશ્વ ક્ષણેક્ષણ ખળભળે છે. એ બધામાં હું હોવા છતાંયે કેમ નથી એ જોવા-જાણવાની, અનુભવવાની મારી મનીષા છે. હું સોયની અણી જેટલી કુંવારી ધરતી શોધું છું – એવી ધરતી જેના પર હું સ્થિર રહી શકું અને જ્યાં રહી હું સર્વની ગતિનો તટસ્થ દ્રષ્ટા બની શકું.

ગઈ કાલે બાળક હતો, આજે યુવાન છું, આવતી કાલે વૃદ્ધ થવાનો છું. દરેક ક્ષણે અકસ્માતની શક્યતા છે, દરેક ક્ષણે મૃત્યુની શક્યતા છે ને છતાં મારી નસોમાં રક્ત અવિરત વહ્યા કરે છે; હૃદયનું ઘડિયાળ ટિક ટિક કર્યા કરે છે. ખબર નથી આ હૃદયની ઘડિયાળમાં કેટલી ચાવી ભરવામાં આવી છે. હાથપગ ચાલે છે; સુષુપ્તિ, સ્વપ્ન ને જાગૃતિ – ત્રણેયનો અનુભવ થયા કરે છે. પેલી તુરીય અવસ્થા સિદ્ધ થતી નથી ને તેથી એક પ્રકારની બેચેની અને થાક રહ્યાં કરે છે. કહે છે કે આ કાયામાં તો ઘણુંબધું છે. એમાં વાડીઓ છે, મોર છે, સરોવરો છે ને હંસ છે; પરંતુ મોરની કેકા સંભળાતી નથી. હંસનું કલગાન ઝીલી શકાતું નથી; ઇન્દ્રિયોના ઘોડાઓ ધસમસ ધસમસ દોડે છે. એમના ડાબલાના અવાજમાં આ શાંત અવાજો ડૂબી જાય છે; મને કોઈ અવાજ ડૂબેલો રહ્યાની આછી આછી પ્રતીતિ થાય છે ને આ ઘોડાઓને ક્ષણાર્ધ થોભાવી દેવાની ઇચ્છા થાય છે પણ હું તેમ કરી શકતો નથી. મારી દશા કાબાથી લૂંટાયેલા અર્જુન જેવી છે. મારો સારથિ ક્યાં છે? લગામ ખેંચવાની કલાશક્તિ ક્યાં છે? કદાચ હું જ સારથિ હોઈશ, એની પ્રતીતિ માટે હું અંતર્મુખ થવા પ્રયત્ન કરું છું, સ્થિર – ધ્યાનસ્થ બનવા પ્રયત્ન કરું છું, પણ મારું મન કમળપત્ર પર ચંચળતાથી સરકતા જલબિન્દુ જેવું છે. શ્વાસના ઝીણા સ્પર્શથી પણ એ કંપે છે…હાલ તો એની એ કંપલીલાનાં દર્શનનો ઉત્સવ માણું છું…પછીની વાત પછી!

(નંદ સામવેદી, પૃ. ૨૭–૨૮)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.