મારું બૅન્ડ

આ મારું બૅન્ડ,
આમાં ઘણા ફ્રૅન્ડ;
પહેલા મારા હાથીભાઈ,
પડઘમ ગજાવતા;
બીજા મારા બકરાભાઈ,
બ્યૂગલ બજાવતા;
ત્રીજા મારા તેતરભાઈ,
ખંજરી ખણકાવતા;
ચોથા મારા ઊંટભાઈ,
પિપૂડી વગાડતા;
પાંચમા તે પાડાભાઈ,
ઢોલક ઢમકાવતા;
છઠ્ઠા મારા ઘોડાભાઈ,
તબડક તાલ પુરાવતા;
સાતમા તે સસ્સાભાઈ,
સરગમ સૂર ચડાવતા,
આઠમા તે ઉંદરભાઈ,
ચૂં ચૂં તાંત ચલાવતા;
નવમા મારા મોરભાઈ,
થે…ઈ થે…ઈ નચાવતા;
દસમા ચાલે દેડકભાઈ,
ત્રાંસાને ત્રમકાવતા.
એક ભાઈ અગિયારે આવે,
બીજો બારમે છેલ્લો;
આ ગીત મારું ગાય-સાંભળે
નામ એમનાં મેલો.
બાર ભાઈનું આવું બૅન્ડ,
જે બોલાવે તેનું ફ્રૅન્ડ!

*

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.