૫. ભાગવું એટલે ન ભાગવું

નંદ ભાગી ભાગીને ક્યાં જવાનો છે? નંદ ભાગે છે અને એની સાથે એના ઘરની દીવાલો પણ આવે છે! નંદ મુક્કી ઉગામે છે પણ નંદને બીજી જ ક્ષણે ખબર પડે છે કે એના હાથ તો લોઢાની બેડીઓમાં જકડાયેલા છે. નંદ ચાલી શકે છે, સૂઈ શકે છે, બોલી શકે છે, લખી શકે છે પણ એ નંદ ઘણુંબધું કરી શકતો નથી. એ પોતાને પાંખ ફુટાડી શકતો નથી, એ રેતીમાં કમળ ખિલાવી શકતો નથી; નંદ પવનની જેમ અદૃશ્ય થઈ શકતો નથી અને અંધારી રાત્રે તારાની જેમ ઝગમગી શકતો નથી. નંદ પોતાની નજરથી તારાઓની દુનિયામાં ભળી જવા માગે છે, પરંતુ ઝોકું આવી જાય છે અને તારાઓનાં લૂમખાં કોઈ ઘેનભર્યા અંધકારમાં ઓગળી જાય છે.

ક્યારેક પોતાની આંખમાં ન સમાતું આકાશ નંદને ગમે છે. ક્યારેક પોતાના હાથમાં ન આવતી પેલી ક્ષિતિજ નંદને ગમે છે. કદીયે ઊછળતાં ન થાકતાં મોજાંનો ઉત્સાહ નંદ ઝંખે છે. કદીયે વાસી ન થતી ઉષા નંદને આંખમાં આંજવી છે; પણ નંદને ખાતરી થઈ ગઈ છે કે પોતે નંદ રહીને કશુંયે કરી શકવાનો નથી. તેથી નંદ નંદને મિટાવી દેવા માગે છે. નંદ નંદમાંથી છટકી જવા માગે છે અને છટકવા જતાં એને પહેલી વાર લાગ્યું કે પોતાને હાથ નથી, પગ નથી, આંખો નથી ને જીભ નથી. ચોર્યાશી લાખ ચક્કર માર્યા પછી પણ નંદને પોતાનામાંથી છૂટવાનું કોઈ છીંડું મળશે કે કેમ એની કોઈ બેધડક બાંહેધરી આપતું નથી.

નંદે પથ્થર ફોડનારાઓને જોયા છે, નંદે ઊંચી કરાડો વચ્ચેથી રસ્તાઓ કોરનારાઓને જોયા છે. એ લોકો પથ્થર ફોડી શકે છે, એ રસ્તાઓ કોરી શકે છે, પરંતુ નંદ પોતાને જ એક પથ્થર રૂપે ઓળખતો થયો છે ત્યારથી નથી એ પથ્થર ફોડનારાઓને જોઈ શકતો, નથી પથ્થર ફોડી શકાય છે એ પોતે માની શકતો! નંદને રસ્તાઓ ચાલવા જેવા લાગતા નથી અને ઘર રહેવા જેવું લાગતું નથી. નંદ ભાગવા જાય છે પણ ઘરના ઉંબર પર જ અટકી જાય છે. કદાચ એ ઘરના ઉંબર પર જ વિઠ્ઠલની જેમ ઊભો ઊભો વૃદ્ધ થઈ જશે.

નંદની ચારે બાજુ જાણે અરીસા છે અને એમાં પોતાનાં અસંખ્ય પ્રતિબિંબોની ભીડમાં સાચો નંદ કયો એ શોધવું મુશ્કેલ બની ગયું છે. નંદ સાચો હોઈ શકે એ પ્રશ્ન જ હવે તો ગૂંગળાવનારો બની ગયો છે. નંદ આંખો મીંચી દે છે. અંધકારને તળિયે ડૂબકી મારે છે; પણ નંદ અંધકારમાં ઓગળી શકતો નથી. રોમેરોમ પ્રકાશ માટેની ચીસ ઊઠે છે. નંદ ફરી પાછો પ્રતિબિંબોની વસ્તીમાં પાછો ફરે છે. કોણ તોડે આ અરીસો? કોણ નંદને પ્રતિબિંબોથી જુદો પાડીને એના અણુએ અણુમાં રહેલા અવ્યક્તનો પરિચય આપે?

રેંટ ચાલે છે. એક પછી એક બાલદી ઉપર આવે છે. પાણી ઠાલવે છે, પાછી ભરાવા માટે નીચે જાય છે. કૂવાનું પાણી કદીયે ખૂટવાનું નથી. રેંટ ફેરવનાર બળદ કદી થાકવાના નથી અને ઢાળિયામાં પાણી આવતું ને વહી જતું અટકવાનું નથી. બારે માસ ને બારે વર્ષ સતત લીલાછમ રહેતા એક ક્ષેત્રનું આ રહસ્ય છે અને આ કદાચ નંદની ચમકનું પણ રહસ્ય છે.

માટે જ ભાઈ નંદ! તું ભાગ નહીં! કશુંયે કરવાનો સંકલ્પ પણ ન કર. કશું ન કરવાનો સંકલ્પ પણ ન કર. સંકલ્પ જ બંધન છે અને બંધનનો ખ્યાલ પણ બંધન છે. પલંગમાં પોઢવાનું ગમે તો પોઢી જા. ભૂખ લાગે તો ખાઈ લે અને વાંચવાનું ગમે તો વાંચી લે – ગમે તે: ‘કવિની સાધના’, ‘મેરા નામ જોકર’ની જાહેરખબર કે શેરના ગગડી ગયેલા ભાવ વિશેનો ‘સલાહકાર’નો અહેવાલ. જે ગાડી કદી પહોંચતી નથી એ ગાડીમાં તું બેઠો છે અથવા જે ગાડી નથી એને તું ગાડી માની બેઠો છે અને તેથી જ સમયપત્રકો જોવાની ચિંતા ન કર, ઘડિયાળના કાંટા ફરતા જોઈ ઉતાવળે શ્વાસ ન લે અને વાસ્તવમાં જે નથી એ સ્ટેશનોનાં નામ ગોખવામાં તું પરેશાન ન થા. પણ ભૂલ્યો ભાઈ નંદ! તારું ભાગવું અને ન ભાગવું એ એક જ ઘટનાના બે અર્થ — બે નામ છે ત્યાં લખી લખીને મેં છેવટે ન લખવા જેવું જ કર્યું છે ને! એ જ તો આનંદ છે નંદજી મારા!

(નંદ સામવેદી, પૃ. ૩૮-૩૯)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.