(त्वां वर्धन्तु नो गिरः।…)
ઋગ્વેદના પ્રથમ મંડળમાં છઠ્ઠા સૂક્તની ઋચામાં શતક્રતુ ઇન્દ્રને સંબોધીને મધુચ્છંદા ઋષિ કહે છે : ‘જે રીતે વેદનાં સ્તોત્રો તને સ્તવન દ્વારા સુપેરે પ્રકાશિત કરે છે તેમ અમારી વાણી પણ તેને પ્રકાશિત કરો.’
વેદકાલીન ઋષિનાં ઉપર્યુક્ત વચનોનો અર્થ આજના આપણા સાહિત્યિક સંદર્ભમાં ઘટાવી શકાય: ઇન્દ્ર તો સહસ્રાક્ષ — હજાર નેત્રોવાળો. પ્રત્યક્ષતાનો અધિદેવતા. સ્વર્ગના અમૃતનો અધિષ્ઠાતા. ઋતધર્મનો નિયંતા. યજ્ઞભાવનાનો પ્રેરક અને પરિપાલક. એ જ આપણી સમસ્ત ઇન્દ્રિયશક્તિનો સંચાલક. આપણે મનસા, વાચા, કર્મણા એનું સમારાધન કરીએ તેમાં જ આપણી ઉન્નતિ કે ઉત્ક્રાંતિ. એની દિવ્ય શક્તિને આપણી વાણીમાં સિદ્ધ કરીએ તેમાં જ વાણીનું પોતાનું પણ સાર્થક્ય. આપણી કાવ્યવાણી ઋતધર્મી — યજ્ઞધર્મી બને એમાં જ એની ચરિતાર્થતા. આ કેમ થાય? આપણી વાણીમાં ઇન્દ્રશક્તિનું અવતરણ કેમ થાય, એ માટે આપણે વિચારવું રહ્યું — સક્રિય થવું રહ્યું.
આપણી કાવ્યવાણીનું અનુભૂતિવિશ્વ ઇન્દ્રિયવિશ્વ ઇન્દ્રિયગોચરતાની વિરુદ્ધ તો કેમ હોઈ શકે? વસ્તુતઃ તો ઇન્દ્રિયાર્થોની ભૂમિકાનો સમ્યક્તયા સ્વીકાર કરીને જ એ વિશ્વનો પ્રાદુર્ભાવ થાય છે, પણ તે ઇન્દ્રિયાર્થો આગળ વિરમતું નથી. આપણી કાવ્યવાણીનું મંત્રવાણીમાં પરિણમન થાય એવી આપણી અભીપ્સા ક્રિયાશીલ હોય તો તેનું પરિણામ ઇન્દ્રિયગોચરતાની ભૂમિકાએથી ઇન્દ્રિયતીતતાની ભૂમિકા સુધી વિસ્તારવું જોઈએ. વાગ્વિશ્વમાં અનુપ્રવિષ્ટ ઇન્દ્રિયગોચરતા દ્વારા ઇન્દ્રિયાતીતતાની, પ્રત્યક્ષતા દ્વારા પરોક્ષતાની રસાત્મક વ્યંજના પ્રગટાવવાની કળા સિદ્ધ થવી જોઈએ. આ માટે કાવ્યવાણીના પ્રયોજકે માટીની આકાશ સુધી, સ્થૂળથી સૂક્ષ્મ સુધી, પ્રત્યક્ષતાથી પરોક્ષતા સુધી પહોંચવાની સૂઝ-સમજ ને ગત દાખવવી જોઈએ. શબ્દ દ્વારા જ શબ્દાતીતનો વ્યંજિત કરી શકનારો તત્ત્વાભિનિવેશી સર્જક બરોબર જાણે છે કે ઇન્દ્રિયગોચરતા ને ઇન્દ્રિયાતીતતા વચ્ચે, પ્રત્યક્ષતા ને પરોક્ષતા વચ્ચે વિરોધ નહીં, બલકે પારસ્પરિક સંવાદસંયોગ જ અભીષ્ટ છે. જે વાણી પ્રત્યક્ષતાથી શક્તિને – ઇન્દ્રિયશક્તિને સમારાધે છે તે એ જ શક્તિના દિવ્યત્વનો — તેમાં અંતર્નિહિત અમૃતમયતાનો અનિવંચનીય આસ્વાદબોધ પામી શકે છે. જે શાશ્વત અને બૃહત્ ચેતના પરોક્ષ ભાસતી હતી તે શબ્દાર્થના યોગે કરીને પ્રત્યક્ષતાના પરિણામમાં અવતરતાં સર્જકચેતનાના સ્પર્શે અપૂર્વ રૂપે ઉદ્ભાસિત થાય છે. તેનું દર્શન — આસ્વાદન એ જ અમૃતપાશન. એમાં જ ઇન્દ્રશક્તિના સાક્ષાત્કારનો લોકોત્તર અનુભવ. એ જ અનુભવની અભીપ્સાથી આવી અભિલાષા વ્યક્ત કરવાનું મન થાય: ‘त्यां वर्धन्तु नो गिरा। — અમારી વાણી તને પ્રકાશિત કરો.’
(વાણીનું સત, વાણીની શક્તિ, પૃ. ૧૧-૧૨)