૧. એ બાલ્કનીવાળી છોકરી અને…

પહેલાં તો હું પથારીમાં તડકા ચઢી જાય તોયે પડ્યો રહેતો; પરંતુ હમણાં હમણાંથી હું એવું કરતો નથી. છ-સાડા-છમાં તો હું નાહીધોઈને તૈયાર થઈ જાઉં છું! તમે બરાબર જોશો, સવારના સાડા-છએ તો મારા ફલૅટની બાલ્કનીમાં બેસી ગયો હોઉં છું. મારી બાલ્કની પૂર્વાભિમુખ છે. ત્યાં આરામખુરશીમાં હું બેસીને ઊગતા સૂરજનો કૂંણો-મીઠો તડકો આંખ મીંચીને ઝીલવાનો આનંદ લેતો હોઉં છું ને ત્યાં જ બરાબર મારી સામે થોડે દૂર આવેલા બીજા ફલૅટની બાલ્કનીમાંનું બારણું ખૂલે છે. ને એ બહાર આવે છે. તમે જાણે જાસૂદનું એક ફૂલ લીલાં પાંદડાંની ઘટામાંથી બહાર ડોકું કાઢતું હોય એવું અનુભવો! એ છોકરી પારસી બોલીમાં કહું તો બહુ ‘સોજ્જી’ છે. મને તો જોતાંમાં જ ગમી ગઈ છે! ખૂબ સ્ફૂર્તિલી ને ચમકીલી! મીઠી મીઠી મધ જેવી! આ સવારના તડકામાં એનુંયે તેજ ભળેલું મને તે તો વરતાય છે! એ બાલ્કનીએ આવી પાંચ પંદર મિનિટ આમતેમ આંટા મારતી બ્રશ કરે ને વળી પાછી બાલ્કનીનું બારણું ખુલ્લું રાખીને જ એના રૂમમાં અંદર ચાલી જાય. મને લાગે છે, એ કોગળા કરવા – મોઢું ધોવા ગઈ હશે! મને ત્યારે એક ખુશનુમા ચહેરે વાદળ આડે સરી ગયાનો ભાવ થાય છે. વળી પાછો એ ચહેરો વાદળ આડેથી ક્યારે બહાર આવે છે એની પ્રતીક્ષા! એ છોકરી ભારેની ખેપાની છે! મને સવારથી રાત સુધીમાં કંઈ કેટલી, કેટલીયે વાર પ્રતીક્ષાઓ કરાવતી હોય છે! હશે! જે ગમતું હોય છે એની પ્રતીક્ષા કરવાની યે મજા હોય છે!

થોડી વાર જાણે મને મારા કાંડા પરની ઘડિયાળ ચાલવાનો અવાજ ન સંભળાતો હોય એવું થાય છે ને ત્યાં જ પાછી એ હાજર! એના હાથમાં ત્યારે ચા ને છાપું હોય છે. એણે બાલ્કનીમાં જ એક ખુરશી રાખી છે, એના પર એ બેસે છે. પડખેની ટિપૉયને એ નજદીક લાવે છે. તે ઉપર ચા મૂકે છે ને પછી છાપું ખોલી વાંચે છે. શું વાંચતી હશે એ? હું મારાં ચશ્માં લૂછું છું, આંખો સાફ કરું છું, બરોબર ચશ્માં નાકની દાંડી પર ગોઠવી એને તાકી રહું છું. એ ‘મુંબઈ સમાચાર’ તો નહીં વાંચતી હોય ને? એમાંયે સંભવ છે કે મારો જ લેખ એ વાંચતી હોય! હું એનાથી કેટલાયે મીટર દૂર મારી બાલ્કનીમાં બેઠો બેઠો બેતાલાંવાળી આંખે એના હાથમાંના છાપા સાથે એનો ચહેરોયે વાંચવા મથું છું. અહીં મારી બાલ્કનીમાં જ બેઠો બેઠો એની બાલ્કનીમાં જાણે પહોંચી જાઉં છું, એના પડખે ઊભો રહું છું, ઝૂકું છું, એના સુંદર વાળને મારા બરછટ હાથે પસવારું છું. બહુ સુંવાળી છોકરી છે એ! બરોબર અમારી ટીકુ જેવી! ટીકુ હતી અમારી માસૂમ કળી જેવી એકની એક દીકરી, પતંગિયું જ સમજો ને! એ તો એવું પતંગિયું કે ફૂલ પર બેસવાને બદલે, જ્યાં એની પાંખો વીંધાય એવી શૂળ પર જઈ બેઠું! ને ત્યાં બેઠું તે બેઠું પછી એ હવાને રંગીન કરવા ઊડ્યું જ નહીં! આ છોકરીયે બોલવે-ચાલવે અમારી ટીકુ જેવી જ લાગે છે, અસ્સલ!..

આ છોકરી જરાય આળસુ જણાતી નથી! ચા ને છાપું પતાવી પાછી એ ઊઠી. માનું છું કે હવે એ નાહવા-ધોવા ગઈ હશે. બાલ્કનીમાં દોરી પર જે ટુવાલ ઝૂલતો હતો એ લઈને રૂમમાં ગઈ!… એ નાહવાધોવા ગઈ હશે તે અડધો કલાક તે થવાનો જ. હુંયે ઊઠું! હજી મેં ચાપાણી કર્યાં નથી એ તો કરું! ખાવાનો મામલો મને ખાસ સતાવતો નથી! મારે એકલા જીવને વળી શું ખાવું-પીવું? બે-ત્રણ કેળાં ને એક ગ્લાસ દૂધ હોય તો ભયોભયો! હવે મને પંચાવન થયાં. પહેલાં લાગતી હતી એવી ભૂખ પણ હવે લાગતી નથી ને હવે મને પરાણે જમાડનારેય કોઈ રહ્યું નથી… એ તો ટીકુની પાછળ પાછળ જ છ મહિનામાં ચાલી ગઈ!… એકનો એક દીકરો, તે પરદેશ… ત્યાં આવવા ઘણું લખે છે, પણ મારું ત્યાં કામ નહીં. મને આ ઘર સાથે એવી ગાંઠ બંધાઈ ગઈ છે; ગમે ત્યાં હોઉં રાતે તો ઘેર બનતાં સુધી આવી જ જઉં ને હમણાં હમણાંથી સામેના ફલૅટમાં આ છોકરીનું કુટુંબ (આમ તો બે જ જણનું) રહેવા આવ્યું છે ત્યારથી તો મને મારું ઘર – પેલી બાલ્કની ખૂબ ભર્યાં ભર્યાં મીઠાં લાગે છે. પહેલાં બાલ્કનીમાં બેસતાં ઠંડી લાગતી હતી, હવે હૂંફ લાગે છે!…

હું રસોડામાં જઈ ચા કરું છું. હજુ પેલા ડબ્બામાં બિસ્કિટ બચ્યાં છે તેમાંથી હું ચારપાંચ ડિશમાં લઉં છું. ચા ગાળી, ડિશ સાથે પાછો મારી બાલ્કનીમાં આવીને મારી ખુરશી સંભાળું છું! હજી એ નહી રહી લાગતી નથી…એ હજી એની બાલ્કનીમાં આવી લાગતી નથી. કંઈ નહીં! આજકાલની છોકરીઓને બાથરૂમમાં ધાર્યા કરતાં વધુ વાર થતી હોય છે! ટીકુયે નાહતાં વાર કરતી જ હતી ને? ચા ઠંડી થતી જાય છે. જોકે મને ચા આમ તો ગરમ ગરમ પીવાની ટેવ છે, ઉમાશંકરની જેમ. પણ એ હજી બાલ્કનીમાં આવી નથી ત્યાં સુધી ચા પીવાનું દિલ થતું નથી… મારી સામે અહીં ટીકુ હોત તે મેં ચાનો પ્યાલો ટિપોય પર આવતાં જ પેટમાં તુરત ઠાલવી દીધે હોત… એ લુચ્ચી મારાં બધાંયે બિસ્કિટ ખાઈ જાત ને મારે ભાગે કીટલીની ચા જ રાખત! પણ એ હવે નથી ને? હું હળવે હળવે એકબે બિસ્કિટ મોંમાં મમળાવતો બેસું છું; ત્યાં જ પેલી છોકરી બાલ્કનીમાં આવે છે! સદ્યસ્નાતા! એના વાળ છુટ્ટા છે. સારા લાગે છે એ! એણે આજે પંજાબી પહેર્યું જણાય છે. એય એને સુંદર લાગે છે. એનો બાંધો, એનાં રૂપરંગ એવાં છે કે એને કઈ પણ ડ્રેસ શોભે! એ હળવે હળવે બાલ્કનીમાં કપડાં સૂકવે છે! લાગે છે કે એ લોકોને હજુ ઘરઘાટી મળ્યો નથી! નવાંસવાં આવ્યાં છે ને! સારો વિશ્વાસુ ઘરઘાટી મળતાં મહિનો માસ જાયે ખરો! ઉતાવળેય શી છે? સારું છે કે આ છોકરી બાલ્કનીમાં નાનાં કપડાં જ સૂકવે છે. ત્યાં જો સાલ્લા, ચાદરો વગેરે એ સૂકવતી હોત તો… મારે તે ચંદ્રની આડે વાદળ આવી ગયા જેવું થઈ જાત! ભગવાનની દયા છે, હજુ એવા પડદા આંખ આડે આવ્યા નથી! હવે એ કપડાં સૂકવી રહી છે. એની કપડાં સૂકવવાની ચીવટ કહેવી પડે! ભીનાં કપડાંમાં ક્યાંય કરચલી ન પડે એની એ બરોબર કાળજી લેતી જણાય છે. કપડાં તો એ સૂકવી રહી! હવે? પાછી ચોપડી લઈને આવી! હવે એ ખાસ્સો એક કલાક બાલ્કનીમાં વિતાવશે, હોં! વાંચવાની શોખીન છે! અભ્યાસુ લાગે છે! આમ ચંચળ ને આમ સ્થિર! એની મજા છે! મનેય એ છોકરીના વાદે વાદે બાલ્કનીમાં બેસીને કામ કરવાની ટેવ પડતી જાય છે! ભલે ને એ દૂર એની બાલ્કનીમાં બેઠી બેઠી વાંચતી હોય, પણ મને તો જાણે એ મારી પડખે બેસીને વાંચતી લાગે છે! કદાય એ વાંચતાં વાંચતાં કોઈ ડિફિકલ્ટી આવે તો પૂછવાનું મન પણ કરે! મને ત્યારે થાય છે, હું એની જ બાલ્કનીમાં એની પડખે બેસી શક્યો હોત તો સારું થાત…

એ છોકરીને વાંચતાં વાંચતાં ટ્રાન્ઝિસ્ટર સાંભળવાનીયે ટેવ લાગે છે! ટીકુનેય હતી ને!… આજકાલનાં આ બધાં કૅસેટસંસ્કૃતિનાં ફરજંદ! એમના શોખ – એમના ટેસ્ટ ખૂબ નિરાળા! એ કઈ કૅસેટ સાંભળતી હશે અત્યારે? ગાયન હોય તોયે શું? મને તો એય ગમે છે! એ જે સાંભળે તે આપણને પસંદ!

લો, પાછી એ ઊઠી! મને લાગે છે, હવે એ જમશે! જમીને પાછી બાલ્કનીમાં આવશે? એ તે શું ખબર પડે? આપણે તો જમવાની ઇચ્છા નથી એટલે બાલ્કનીમાં બેઠા રહીશું. નિવૃત્તિકાળ તો હજુ હવે આવશે, પણ હવે એની ટેવ મારે પાડવી રહી! માળા લઈને બેસવાથીયે આનંદ આવે છે! મનને ભલે ને મણકામાં પરોવો! સારું લાગે છે એ રીતે! એ હવે જમતી હશે! જવાન છોકરાંઓએ બરોબર જમવું જોઈએ! મારાં દાદીમા કહેતાં: ખાય એ ધાય! ને પાછા એ ઘરડેઘડપણ પણ તક મળ્યે બેએક લાડુ પેટમાં પ્રેમથી ગોઠવી દેતાં. દાદી ગયાં ને દાદાયે ગયાં, માબાપ તો વહેલાં ગયેલાં, ભાઈબહેન તો હતાં જ નહીં. આપણે એકલારામ. થોડો વખત મેનાનો સંગ રહ્યો; તેયે ઘણું! એને યાદ કરીને તો હાલ મારા દિવસોને હું ભર્યા ભર્યા રાખું છું! હવે એ જમી રહી હશે. બાલ્કનીમાં પાછી એ નહીં આવે?

ના કેમ આવે? જો આવી! એવી એ મને આમ અહીં બેઠેલો નહીં જેતી હોય? એને નહીં થતું હોય? – આ કાકો સવારનો બાલ્કનીમાં ગોઠવાઈ જઈને શું કરે છે? કદાચ એના ધ્યાન પર હું નયે આવ્યો હોઉં! એને ધ્યાન પર લેવા જેવી બીજી અનેક બાબતો હશે! હોય!… જુઓ, પાછી એ ગઈ!… આ પાછી આવી.. કપડાં બદલીને…લાગે છે કે હવે એ બહાર જશે… નીચે એને સરખી સાહેલીઓ તેડવા આવી જાય છે! ભલે જાય! જુવાન છોકરાં ઘરની ચાર દીવાલ વચ્ચે ગોંધાઈ રહે એ ઠીક નથી. હું મેનાનેય વઢતો જ હતો ને, ટીકુને ઘરકૂકડી થતી અટકાવવા માટે!

એ ગઈ! હવે તો એ બહારથી આવે ત્યારે: હું હવે ઘરમાં બધું જેમ તેમ પડ્યું છે તે ઊંચુંનીચું મૂકું. હવે શરીર ઘસાયું છે, થાક પણ લાગે છે! આરામ પણ જોઈએ! પણ કેટલીક વાર એકલતા જ આપણો આરામ હરી લઈ જાય છે! એકાન્ત આપણને થકવી દે છે! હવે તો એ ક્યાંક સખીઓ સાથે શાળા-કૉલેજે ગઈ હશે. અત્યારે એ વર્ગમાં બેઠી ભણતી હશે કે સાહેલીઓ સાથે બેસી ચાપાણી કરતી હશે! જે હોય તે, પણ એ સક્રિય તો હશે જ. મારી જેમ એણે કંઈ ઘર ને બાલ્કનીની રજેરજ વીગતો યાદ રાખવામાં શું કરવા સમય વેડફવો જોઈએ?

મેના ગઈ ને આ ઘર કેટલી ઝડપથી એની સૂરત બદલતું જાય છે. હવે દીવાલનો રંગ ઊખડી ગયો છે બારીબારણાંના સાંધા ઢીલા પડ્યા છે! ઓઢવા – પાથરવાનાં ગોદડાંયે હવે જર્જરિત થતાં જાય છે! સમયનો લૂણો હરકોઈ ચીજને લાગે છે! અરે દિલદિમાગનેય લાગતો હોય છે! તમે શું માનો છો?

બેત્રણ કલાક મેં ખંડમાં પલંગમાં મને આરામ આપવા ઘણી કોશિશ કરી, પણ જેમ ચકલું ઉડાડીએ તો માળો કરવા ફરી ફરીને આવે તેમ ફરી ફરીને મારું મન અહીંથી ઊડી એની બાલ્કનીની ગ્રિલ પર જઈને બેસે છે! એનાં બાલ્કનીમાં સુકાતાં કપડાને બારીકીથી જુએ છે! એને કપડાંનોયે શોખ છે! એની કલરસેન્સ પણ સારી છે; તેથી તો મને એ કેટલીક વાર રંગબેરંગી કપડામાં પતંગપરી જેવી લાગે છે! હજી એ આવી નહીં! ચાર વાગ્યા – પાંચ સુધીમાં તે આવશે જ ને! લો, એ આવી! કેવી એની ચાલ ‘ગ્રેઇસફૂલ’ છે! એને બહેનપણીઓ કેટલી બધી છે! પણ મારા જેવો કાકો તો એને હું એક જ હોઈશ! એના ઘરમાં એની માને જ બસ, એક જોઉં છું, મારા સરખું કોઈ ત્યાં લાગતું નથી…

સારું છે કે એનેય મારી જેમ બાલ્કની ગમતી લાગે છે! ભરતગૂંથણનું કામ લઈનેય પાછી બાલ્કનીમાં જ આવી ગઈ! ભરો ભરો! આ ઉંમર છે ભરવા ગૂંથવાની! ટીકુને હું વારંવાર કહે – નવરો માણસ નખ્ખેદ વાળે! નવરા બેસવું જ નહીં… કંઈ કામ ન હોય તે ભરતકામ કરો! એથી તમારું મન પણ ભર્યું ભર્યું રહેશે. ને એ ભરતકામ માટે દોરા-કાપડ બધું લાવી… પણ…પણ… પછી ભરવા-ગૂંથવાની ખરેખરી તકે જ અલોપ થઈ ગઈ! નસીબ એવું મારું! આયે છે ને! કેવી એકાગ્રતાથી ભરતકામ કરે છે! એના હાથ, એની આંગળીઓ બધું નાજુક ને ચપળ જણાય છે! ક્યારેક મારે એનું એ ભરતકામ નજીકથી જોવું જોઈશે!

હવે તે સાંજના ઓળા ઊતરવા માંડ્યા છે. શરીરમાં મંદતા કળાય છે! ઉંમર ઉંમરનો ભાગ તો ભજવે ને? હું જૂનાં આલબમો લઈ બેસું છું, અતીતને પ્રત્યક્ષ કરવા મથું છું ને હું જાણે કોઈ ઊંડા કૂવામાં ઊતરતો જાઉં છું. મને કેાઈ દોરડાની – વરતની જરૂર છે! કોણ એ વરત લટકાવે? મેના ગઈ, ટીકુ ગઈ, દીકરો પરદેશ… હવે એ વરત કોણ લટકાવે? પેલી છોકરી ન લટકાવી શકે? એની બાલ્કનીમાંથી એ વરત લટકાવે તો…પણ… પણ એ તો હજી મારી તરફ નજર પણ માંડવાનુંયે ક્યાં જાણે છે! એના ફ્લૅટ આગળથી જાઉં છું, પણ એને મારી ઓળખાણ નથી! શું કરવા હોય? ભલે ને ઓળખાણ ન હોય, તો નજર સુધ્ધાં ન કરાય મારા તરફ? જુવાનિયાઓથી બીવાનું હોય! કંઈ મારાથી બિવાય? ખેર! આમ જ ચાલે છે બધું!

વડ તમે વડવાઈઓ વિનાનો જોયો છે? ન જોયો હોય તો મને જોઈ લો! પડખાં વિનાની પડછંદી ને બુનિયાદ વિનાની બુલંદી! આવું તૂટેલું તોસ્તાન ક્યાં સુધી ઊંચકવાનું? – ચલાવવાનું? એ હવે બાલ્કનીમાં સૂકવેલાં કપડાં વાળવા આવી છે! જેમ એની કપડાં સૂકવવાની તેમ વાળવાની એક સ્ટાઇલ છે! સારી છે! આ વાળેલાં કપડાંમાંથી આવતી કાલે એ ક્યાં કપડાં પહેરશે? કહું? નહીં જવા દે! અમારી ટીકુએ વણજારા સ્ટાઇલનો ડ્રેસ દરજીને ત્યાં સિવડાવવા આપેલો! મને એમ કે એને હું કહું, એ પહેરીને ફોટા પડાવે! પણ એ દિવસ જ નહીં આવ્યો! દરજી બાપડો એ ડ્રેસ સીવીને ઘેર આવ્યો પણ ન એની એ ડ્રેસ મને આપવાની હિંમત ચાલી, ન મારી લેવાની! હું આ છોકરીને તો નહીં કહું – શું પહેર તે! એ જે પહેરશે તે સુંદર જ લાગશે!

હવે પાછી એ પત્તાં લઈને આવી! થોડો વખત પત્તાંયે રમશે, ભલે! મનેય પત્તાંનો ભારે શોખ છે! પહેલાં તો કેટલું રમતો! પૈસાયે લગાવતો! હાલ તો એ પત્તાં બધાં વેરવિખેર છે. જોકે આજેય એ જો મને પત્તા રમવા બોલાવે તો બરોબર પત્તાં રમી દેખાડું. મને પત્તાંની કંઈ બેચાર રમતો જ આવડે છે? એ જો મને ભિલ્લુ રાખે તો એને એકેએક બાજી જિતાડી આપું! પણ એ તો એની મા સાથે પત્તાં રમે છે! એય સારું છે! એ સમય તો સુખનો જ ને?

હવે તો રાતે ઊતરી ગઈ!…એ એની બાલ્કનીને દીવો કરતી આ વિસ્તારમાં નથી! મચ્છરોને ભય ઓછો છે! મનેય હવે અંધારું ઊતરતાં જોવાનું બહુ ફાવતું નથી! અંધારામાંયે જે એ બાલ્કનીમાં આવીને ઊભી રહે તે મારી આંખને તુરત કંઈક થાય! પણ એવું થતું નથી! સંભવ છે એ હવે ઘરમાં એની મા સાથે બેસીને ટી. વી. જોતી હોય! હું તો હવે ટી.વી. ભાગ્યે જ ખોલું છું. અહીં બાલ્કનીમાં અંધારામાં બેસી, એના ફલૅટ તરફ – એની બાલ્કની તરફ જોતા રહેવાનું મને ગમે છે! દૂરનો તારો જોતો હોવું એમ એનેય હું જોવા કરું છું, પણ એ તો દેખાય ત્યારે!

ઉંમર થઈ છે, છતાંય બાલ્કનીમાં જ સૂવાનું મેં રાખ્યું છે! કેમ કે, એ રીતે સૂતાં સૂતાંય એની બાલ્કની તરફ નજર રહી શકે છે. વળી ખુલ્લી હવામાં સૂવું આમેય સારું. બંધિયારમાં જ બધું બગડતું હોય છે. ખુલ્લી હવાથી દિલ-દિમાગમાંયે ખુલ્લાશ રહે છે! રાતે એય મારા ધારવા પ્રમાણે બાલ્કની ખુલ્લી રાખી, બારણા આગળ જ સૂએ છે! એ સારું છે! તંદુરસ્તી ને તાજગી માટે, પ્રસન્નતા માટે!

રાત્રે એનેય સપનાં આવતાં હશે ને? ને એમાં એ જો મારી બાલ્કનીને ને મને જોતી હોય તો? …મનેય તે ટીકુની જેમ જ ટહુકો કરે ને?! એ ટહુકો કરે તો ખૂબ મીઠાશથી હુંયે સામે ટહુકો કરું!… પણ અબઘડી તો મને મારા ઘરના કોઈ અંધારિયા ખૂણામાંથી બોલતું એક તમરું જ સંભળાય છે!

હવે મારે ઊંઘવું જોઈએ! પણ ઊંઘ ક્યાં સહેલાઈથી આવે છે? નાનું હતું ત્યારે મા મને થાબડતી ને ઊંધ આવી જતી. મોટપણે પત્નીનો પ્રેમાળ હાથ જુલ્ફામાં ફરતો ને ઊંઘ આંખમાં અંજાતી! આજે તો પડખાં ફરી ફરીને થાકું છું પણ ઊંઘને આંખના ઉંબર ચઢતાં કીડીઓ ચડે છે જાણે! ભલે! તો હું માળા કરતાં કરતાં, એની બાલ્કનીમાં અંધારામાં એને ઊભેલી કલ્પતો કલ્પતો મારામાં ડૂબી જાઉં, કદાચ ને ઊંધ અહીં ભૂલી પડે.

સાંભળ્યું છે એ હમણાં અહીં નથી. બહારગામ ગઈ છે! આવશે, પણ ક્યારે? ખબર નથી. મેં તે મારી બાલ્કની ખુલ્લી જ રાખી છે. પણ એની બંધ છે! જડબેસલાક બંધ! અંધારામાં હું એની બંધ બાલ્કનીને જોતો ઊંઘ વગરની રાતો પસાર કરું છું…

લો, આ અંધારામાં આકાશમાંથી પેલી ઉલ્કા ખરી! એક ઠંડી ધ્રુજારી મારી કરોડરજ્જુ સેંસરી પસાર થઈ ગઈ! આમ છતાં આવા અંધારામાં જ મને કોક વાર બીજ દેખાવાની છે એ વાતનો સધિયારો છે! એની બાલ્કની ખૂલવાની છે. એ વળી પાછી બાલ્કનીમાં દેખાવાની છે! એ મને જેટલું મળી શકી છે એટલું મારી ટીકુ બાદ કરતાં બીજું કોણ મને મળ્યું છે?…

૧૨-૨-૯૩

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.